નવી દિલ્હીના ભારત મંડપમમાં 12 અને 13 સપ્ટેમ્બરે 18મું બ્રિક્સ શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, યજમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિત વિશ્વના શક્તિશાળી નેતાઓ ભાગ લેશે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ખાદ્ય સુરક્ષા, ઉર્જા, આરોગ્ય અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા પર ચર્ચા થશે.
ભારતના અધ્યક્ષપદે યોજાઈ રહેલા આ સંમેલનની મુખ્ય થીમ 'Building for Resilience, Innovation, Cooperation and Sustainability' છે. રશિયા-યુક્રેન યુદ્ધ, મિડલ ઈસ્ટ સંકટ અને અમેરિકી ટેરિફ નીતિઓના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા દબાણમાં છે, ત્યારે સભ્ય દેશો વચ્ચે જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા પર ભાર રહેશે.
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આ ભારત પ્રવાસ કૂટનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરહદી વિવાદ પછી સર્જાયેલા તણાવ વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં આ એક મોટું પગલું ગણાય છે. શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ પીએમ મોદીની બેઠક થશે, જેમાં દ્વિપક્ષીય વેપાર, ઉર્જા સુરક્ષા અને પેમેન્ટ સિસ્ટમ પર ચર્ચા થશે.
બ્રિક્સમાં 11 પૂર્ણ સભ્ય દેશો છે અને નિર્ણયો સર્વસંમતિથી લેવાય છે. મિડલ ઈસ્ટ સંકટ અંગે ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા સભ્ય દેશોના વલણમાં તફાવતને કારણે 'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન' પર સામાન્ય સહમતિ સાધવી ભારત માટે કૂટનીતિક કસોટી રહેશે.
સંમેલનનું શિડ્યુલ: 12 સપ્ટેમ્બરે બપોરે 2:35 વાગ્યે બ્રિક્સ સભ્ય દેશોની બંધ બારણે બેઠક થશે. ત્યારબાદ નેતાઓ 'ભારત ઈનોવેટ્સ એક્ઝિબિશન' જોશે, સત્તાવાર ફેમિલી ફોટો સેશન થશે અને સંયુક્ત વૃક્ષારોપણ કરશે. સાંજે પીએમ મોદી તરફથી ગાલા ડિનરનું આયોજન કરાયું છે. 13 સપ્ટેમ્બરે સવારે 10:50 વાગ્યાથી ઓપન સેશન શરૂ થશે. ચર્ચા બાદ તમામ દેશોની સહમતિ સાથે 'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન' જાહેર કરીને સંમેલનનું સમાપન થશે.