સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિક્સ સમિટ: આજે મોદી-જિનપિંગ સહિત વૈશ્વિક નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો

બ્રિક્સ સમિટ: આજે મોદી-જિનપિંગ સહિત વૈશ્વિક નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો

નવી દિલ્હીમાં યોજાઈ રહેલી બ્રિક્સ સમિટ 2026માં આજે (12 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દિવસ અત્યંત વ્યસ્ત રહેશે. વડાપ્રધાન બ્રિક્સ દેશો ઉપરાંત અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. આમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સમિટને લઈને દિલ્હીમાં વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિત વિશ્વભરના અનેક નેતાઓ નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે, જ્યારે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચશે. જિનપિંગ સહિત બ્રિક્સ સમિટમાં ભાગ લેનારા તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને તેમના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન મોદી બેઠકો કરશે.

આજનો સંપૂર્ણ કાર્યક્રમ

સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદી હૈદરાબાદ હાઉસ ખાતે ઇથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલી સાથે બેઠક કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ અને 11 વાગ્યે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે તેમની બેઠક થશે.

સવારે 11:30 વાગ્યે વડાપ્રધાન વિયેતનામના વડાપ્રધાન લી મિન હુન્ગ સાથે મુલાકાત કરશે. આજે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં બેઠક પણ નિર્ધારિત છે.

બપોરે 2:35 વાગ્યે બ્રિક્સ સભ્ય દેશોની બંધ બારણાની બેઠક સાથે કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ નેતાઓ સાંજે 4:25 વાગ્યે ‘ઇન્ડિયા ઇનોવેટ્સ’ પ્રદર્શનની મુલાકાત લેશે. સાંજે 5:05 વાગ્યે સત્તાવાર ફેમિલી ફોટોગ્રાફ અને સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે.

શી જિનપિંગ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક

આજે વડાપ્રધાન મોદીની સૌથી મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતનો સમાવેશ થાય છે. બંને નેતાઓ વચ્ચેની બેઠક સાંજે 5:45 વાગ્યે ભારત મંડપમ ખાતે યોજાશે. ભારત અને ચીનના સંબંધોને ધ્યાનમાં રાખીને આ બેઠક પર ખાસ નજર રહેવાની છે.

સાંજે 7:30 વાગ્યે ભારત મંડપમ ખાતે બ્રિક્સમાં ભાગ લેવા આવેલા રાષ્ટ્રાધ્યક્ષો માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આ ડિનરની યજમાની કરશે. આ રાત્રિભોજન માટે કેટલાક કેન્દ્રીય મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 14થી 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ડિનરમાં હાજરી આપશે.

ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમામ મુખ્યમંત્રીઓ એકસાથે બસ દ્વારા ભારત મંડપમ જશે. તમામ મુખ્યમંત્રીઓને સાંજે 5થી 5:30 વાગ્યા સુધીમાં સંસદ ભવન પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સંસદ ભવનથી તમામ મુખ્યમંત્રીઓ સાંજે લગભગ 6 વાગ્યે એકસાથે બસ દ્વારા ભારત મંડપમ માટે રવાના થશે.

મંચ પર કોણ-કોણ?

બ્રિક્સનું મુખ્ય મંચ ભારત મંડપમ ખાતે યોજાશે. આ વખતે બ્રિક્સમાં 11 સભ્ય દેશો અને 10 ભાગીદાર દેશો છે. મંચ પર નરેન્દ્ર મોદી (ભારત), શી જિનપિંગ (ચીન), વ્લાદિમીર પુતિન (રશિયા), સિરિલ રામાફોસા (દક્ષિણ આફ્રિકા), મસૂદ પેઝેશ્કિયાન (ઈરાન), અબ્દેલ ફતેહ અલ-સીસી (ઈજિપ્ત), અબી અહમદ (ઇથિયોપિયા), પ્રબોવો સુબિયાંતો (ઇન્ડોનેશિયા), અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (UAEનું પ્રતિનિધિત્વ) અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી (સાઉદી પ્રતિનિધિમંડળ) ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બ્રિક્સના ભાગીદાર દેશોના વડાઓ/પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વા પણ સમિટમાં ભાગ લેશે.