નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાયેલા 18મા બ્રિક્સ શિખર સંમેલનનું સમાપન થયું છે. સંમેલનની અધ્યક્ષતા કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાપન સમયે તમામ સભ્ય દેશોનો સક્રિય ભાગીદારી બદલ આભાર માન્યો હતો. તેમણે આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા સંભાળનાર ચીનને પણ શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મિત્રો, 18મા બ્રિક્સ શિખર સંમેલનના સમાપન પર હું આપ સૌની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન યોગદાન માટે હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા મહત્ત્વપૂર્ણ વિચારો અને સૂચનોએ આપણા સહયોગને વ્યાપકતા અને ઊંડાણ બંને આપ્યાં છે. તમારી હાજરી બ્રિક્સની વધતી સુસંગતતા, ખુલ્લાપણું અને સમાવેશીતાનું પ્રમાણ છે. છેલ્લા બે દિવસની આપણી ચર્ચાઓએ આપણો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે કે બ્રિક્સ માત્ર દેશોનો સમૂહ નથી, પરંતુ ઉકેલોની એક વ્યવસ્થા છે."
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંમેલનમાં અપનાવાયેલું 'નવી દિલ્હી ઘોષણાપત્ર' આપણી સહિયારી વિચારસરણી અને ભવિષ્યના સહયોગને સ્પષ્ટ દિશા આપશે. તેમણે ભાર મૂક્યો કે, "આપણે તમામ નિર્ણયોને સમયમર્યાદા સાથેના કામોમાં બદલવા પડશે, જેની અસર જમીની સ્તર સુધી દેખાય. આપણે મળીને સુનિશ્ચિત કરીશું કે આપણું ફ્રેમવર્ક માત્ર કાગળની કામગીરી સુધી મર્યાદિત ન રહે, પરંતુ વાસ્તવિક જીવનમાં ઠોસ અસર પાડે."