સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિક્સમાં પાકિસ્તાનની અરજી કેમ અટકી? ચીનના સમર્થન પછી પણ દરવાજો બંધ કેમ રહ્યો

બ્રિક્સમાં પાકિસ્તાનની અરજી કેમ અટકી? ચીનના સમર્થન પછી પણ દરવાજો બંધ કેમ રહ્યો

ભારતના યજમાનપદે 2026નું બ્રિક્સ (BRICS) શિખર સંમેલન નવી દિલ્હીમાં યોજાવાનું છે. આ સંમેલનમાં રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને ઈરાન સહિતના સભ્ય દેશોના નેતાઓ ભાગ લેશે. બ્રિક્સને વિકાસશીલ દેશોનું મહત્વનું સંગઠન માનવામાં આવે છે. સંમેલન દરમિયાન સભ્ય દેશો તેમના ભાગીદાર દેશો (પાર્ટનર કન્ટ્રી) સાથે પણ બેઠકો કરશે.

બ્રિક્સમાં જોડાવા માટે અત્યાર સુધીમાં 30થી વધુ દેશોએ અરજી કરી છે. તેમાં પાકિસ્તાન, તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનને ચીનનું ખુલ્લું સમર્થન હોવા છતાં તેને બ્રિક્સમાં જગ્યા મળી નથી. એ જાણવું જરૂરી છે કે બ્રિક્સમાં સભ્યપદ મળવાની પ્રક્રિયા શું છે અને પાકિસ્તાનની અરજી કેમ અટકી છે.

બ્રિક્સમાં હાલ કેટલા સભ્યો છે?

શરૂઆતના સભ્યો ઉપરાંત તાજેતરમાં ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઈન્ડોનેશિયા આ જૂથમાં જોડાયા છે. બ્રિક્સના પૂર્ણ સભ્યપદ માટે 30થી વધુ દેશોએ ઔપચારિક અરજી કરી છે અથવા જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સભ્યપદ મળવાની પ્રક્રિયા અને નિયમો

બ્રિક્સમાં નવા દેશોને સામેલ કરવાની પ્રક્રિયા સર્વસંમતિ અને પહેલાથી નક્કી કરેલા માર્ગદર્શક સિદ્ધાંતો પર આધારિત છે.

સર્વસંમતિનો નિયમ: બ્રિક્સમાં કોઈ પણ નિર્ણય બહુમતીને બદલે તમામ વર્તમાન સભ્ય દેશોની સર્વસંમતિથી લેવાય છે. એક પણ કાયમી સભ્ય દેશ વિરોધ કરે તો નવો દેશ સંગઠનમાં સામેલ થઈ શકતો નથી.

ઔપચારિક અરજી: ઈચ્છુક દેશે બ્રિક્સનું અધ્યક્ષપદ ધરાવતા દેશ અને સંગઠન સમક્ષ ઔપચારિક અરજી કરવી પડે છે. ત્યારબાદ વિદેશ મંત્રીઓની બેઠકો અને શિખર સંમેલનોમાં તેના પર ચર્ચા થાય છે.

માર્ગદર્શક માપદંડો (2023 જોહાનિસબર્ગ સંમેલન): અરજી કરનાર દેશના તમામ વર્તમાન બ્રિક્સ સભ્યો સાથે હકારાત્મક કૂટનીતિક સંબંધો હોવા જરૂરી છે. બહુપક્ષીયતા (Multilateralism) અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવી પડે છે. ગ્લોબલ સાઉથના વિકાસ અને બહુભ્રુવીય વ્યવસ્થાના સિદ્ધાંતોનું સમર્થન કરવું પડે છે.

સત્તાવાર આમંત્રણ: સર્વસંમતિથી મંજૂરી મળ્યા બાદ જ નવા દેશને પૂર્ણ સભ્ય તરીકે જોડાવા સત્તાવાર આમંત્રણ આપવામાં આવે છે.

ભાગીદાર દેશનો ખ્યાલ: 2024ના કઝાન સંમેલનમાં 'બ્રિક્સ પાર્ટનર કન્ટ્રી' શ્રેણી શરૂ કરાઈ, જેથી પૂર્ણ સભ્યપદ ન મેળવનારા દેશો પણ સંગઠનની પહેલો અને વેપારી વ્યવસ્થા સાથે જોડાઈ શકે.

પાકિસ્તાન અને તુર્કીની એન્ટ્રી કેમ અટકી?

બ્રિક્સના સ્થાપક દેશો, જેમાં ભારત પણ સામેલ છે, પાસે એક પ્રકારે વીટો શક્તિ છે. નવા સભ્યો ઉમેરવા માટે ભારત સહિત તમામ સ્થાપક દેશોની સંમતિ જરૂરી છે.

બ્રિક્સના નિયમ મુજબ અરજી કરનાર દેશના તમામ સભ્યો સાથે સારા સંબંધો હોવા જોઈએ. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરાયેલું છે અને ભારત સાથે તેના સંબંધો વણસેલા છે. આ કારણોસર તેની અરજી આગળ વધી શકી નથી.

ચીન પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કરે છે, પણ બ્રિક્સમાં નિર્ણય સર્વસંમતિથી લેવાય છે. એક પણ સભ્ય દેશની અસંમતિ હોય તો અરજી મંજૂર થઈ શકતી નથી. તેથી ચીનનું સમર્થન પાકિસ્તાન માટે પૂરતું પુરવાર થયું નથી.