સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિક્સ સમિટમાં 'નવી દિલ્હી ઘોષણાપત્ર' સર્વસંમતિથી પસાર, એકતરફી ટેરિફ સામે કડક વલણ

બ્રિક્સ સમિટમાં 'નવી દિલ્હી ઘોષણાપત્ર' સર્વસંમતિથી પસાર, એકતરફી ટેરિફ સામે કડક વલણ

નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટના અંતે સભ્ય દેશોએ સર્વસંમતિથી ઐતિહાસિક 'નવી દિલ્હી ઘોષણાપત્ર' પસાર કર્યું છે. આ ઘોષણાપત્રમાં વૈશ્વિક વેપારને નુકસાન પહોંચાડતા એકતરફી ટેરિફ અને આર્થિક દબાણવાળા પગલાં સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ઘોષણાપત્રમાં વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમોનું ઉલ્લંઘન કરતા ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો સામે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ લેવાતા એકતરફી પગલાંઓની બ્રિક્સ જૂથે આકરા શબ્દોમાં નિંદા કરી છે. ઘોષણાપત્રમાં કહેવાયું છે કે, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને લાદવામાં આવતા એકતરફી આર્થિક પ્રતિબંધો અને બળજબરીપૂર્વકના પગલાં અસ્વીકાર્ય છે.

આ સાથે જ, વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષોને રોકવા માટે મૂળ કારણોને ઉકેલવા, પરમાણુ યુદ્ધના વધતા જોખમો સામે સાવચેત રહેવા અને તમામ આંતરરાષ્ટ્રીય વિવાદોને માત્ર સંવાદ, સલાહ-મસલાહ અને કૂટનીતિ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં જણાવાયું છે કે, કોઈપણ વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે તમામ દેશોના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અને હિતોનું સન્માન કરતી બહુપક્ષીય પદ્ધતિ જ શ્રેષ્ઠ છે.

ઘોષણાપત્રમાં સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણ અને ક્રોસ-બોર્ડર પેમેન્ટ નેટવર્કને વ્યવહારુ બનાવવા માટે ચાલી રહેલી વાટાઘાટોને ચાલુ રાખવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય વેપાર કોઈપણ એક કરન્સી કે પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમના જોખમથી મુક્ત રહી શકે. ગ્લોબલ સપ્લાય ચેઈન અને ઊર્જાની અવિરત હેરફેર જાળવી રાખવા બ્રિક્સ દેશો સાથે મળીને કામ કરશે.

સમિટના સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ગ્લોબલ સાઉથને માત્ર નવી ટેકનોલોજી મેળવવામાં જ નહીં, પરંતુ તેના વૈશ્વિક નિયમો અને માપદંડો નક્કી કરવાની પ્રક્રિયામાં પણ સમાન ભાગીદારી મળવી જોઈએ.