બ્રિક્સ (BRICS) દેશોએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધ વચ્ચે પોતાની સ્થાનિક મુદ્રામાં વેપાર વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી બ્રિક્સ દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોની બેઠકમાં તમામ સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં જ લેણ-દેણ કરવા પર સહમતિ સધાઈ છે. આ નિર્ણય અમેરિકન ડોલરના વર્ચસ્વ સામે પડકાર ઊભો કરે છે, જેને લઈને ટ્રમ્પ સૌથી વધુ નારાજ છે.
બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કઝાન અને રિયો ઘોષણાપત્રના માર્ગદર્શન હેઠળ ક્રોસ બોર્ડર પેમેન્ટ સિસ્ટમ વિકસાવવા અને તેનો વ્યવહારુ ઉકેલ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વ્યવસ્થા હેઠળ પેમેન્ટ અને મેસેજ મોકલવાના માધ્યમોને એકબીજા સાથે સુસંગત બનાવવા અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે. સાથે જ, બ્રિક્સ દેશોની સ્થાનિક મુદ્રાઓનો ઉપયોગ કરીને વેપારના પેમેન્ટ અને રોકાણને પ્રોત્સાહન આપવા પર વિશેષ ચર્ચા થઈ છે.
બ્રિક્સ દેશોએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા પર ભાર મૂક્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેંક જેવી બ્રેટન વૂડ્સ સંસ્થાઓની વિશ્વસનીયતા વધારવા તથા તેમાં તાત્કાલિક સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB) દ્વારા સ્થાનિક મુદ્રામાં ફાઇનાન્સિંગનો વિસ્તાર કરવા અને સભ્ય દેશોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ બ્રિક્સ દેશો દ્વારા લોકલ કરન્સીમાં વેપાર કરવાની વાત પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ડોલરને પડકારવાનો પ્રયાસ કરશે તો તેના પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવશે. તેમ છતાં, બ્રિક્સ દેશોએ ફરીથી લોકલ કરન્સીમાં કારોબારને આગળ વધારવાનો નિર્ણય લીધો છે, જે ટ્રમ્પ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.