નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ પરિષદના સમાપન ભોજન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યજમાનપદ સંભાળ્યું હતું. આ ભોજન સમારંભમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સહિત અનેક વૈશ્વિક નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, ચીનના શી જિનપિંગની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.
ભોજન સમારંભમાં બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ અને વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભોજન સંપૂર્ણપણે શાકાહારી હતું, પરંતુ વિવિધ વાનગીઓથી ભરપૂર હતું.
આ ભોજન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ચીનના શી જિનપિંગની ગેરહાજરી ધ્યાનાકર્ષક હતી. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અંગત કારણોસર 13મીએ વહેલા સ્વદેશ રવાના થયા હતા, તેથી તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા. જ્યારે શી જિનપિંગ દ્વિપક્ષીય મંત્રણા બાદ સીધા હોટેલ ગયા અને ભોજન સમારંભમાં હાજર રહ્યા ન હતા.
ગઈકાલ સુધી ચાલેલી પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિ અંગેની ચર્ચાઓ પછી ઇરાન અને યુએઈ વચ્ચેના મતભેદો જેવા ગંભીર પ્રશ્નોનો અત્યાર પૂરતો ઉકેલ આવ્યા પછી મહેમાનો હળવા મને ભોજનમાં જોડાયા હતા. શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથેની દ્વિપક્ષીય મંત્રણા પછી તરત જ હોટેલ તરફ રવાના થઈ ગયા હતા અને પછી સીધા એરપોર્ટ ગયા હતા. મોદી-શી મંત્રણા પર દુનિયાની નજર હતી, પરંતુ તેમાં શું વાતચીત થઈ તે જાણી શકાયું ન હતું.
આ ભોજન સમારંભ પરંપરાગત રીતે દરેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં યોજાતો હોય છે, તે રીતે યોજવામાં આવ્યો હતો. તે પહેલા આ વૈશ્વિક નેતાઓએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આર્થિક સહકાર, વૈશ્વિક અનુશાસન, ટેકનોલોજી અને ભૂ-રાજકીય સંઘર્ષો વિશે વિસ્તૃત મંત્રણાઓ કરી હતી.
ભારત આ વખતે બ્રિક્સ જૂથના અધ્યક્ષપદે છે, તેથી બ્રિક્સની આ 18મી પરિષદ નવી દિલ્હીમાં યોજવામાં આવી હતી. આ પરિષદના અંતે યોજાયેલા રાત્રી ભોજન સમારંભમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, બંદરો અને જહાજવાહન મંત્રી એસ. સોનોવાલ, સંસદીય બાબતોના મંત્રી કીરન રીજીજુ તથા વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત હતા.
આ ઉપરાંત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ શર્મા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તથા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત હતા.
આવા ભવ્ય ભોજન સમારંભમાં શી જિનપિંગની ગેરહાજરી ધ્યાનાકર્ષક બની રહી હતી. તે માટે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું ન હતું. વિશ્લેષકોનું મંતવ્ય છે કે વડાપ્રધાન મોદી આ બ્રિક્સ પરિષદ પર છવાઈ રહ્યા હતા. તેમના પ્રયત્નોથી ઇરાન અને યુએઈ વચ્ચેના મતભેદો અત્યાર પૂરતા એક તરફ મુકાઈ ગયા હતા. વળી પ્રમુખ પુતિન સાથેની તેમની ઘનિષ્ઠ મિત્રતાને કારણે ચીનના શી જિનપિંગ અંદરથી નારાજ હશે અને તેથી જ છેલ્લી ઘડીએ ભોજન સમારંભનો ત્યાગ કર્યો હશે.