સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS ડિનરમાં ગુજરાતની ખાંડવી અને જલેબીનો સ્વાદ, જયપુરની ચાંદીની થાળીમાં પીરસાયું રોયલ ભોજન

BRICS ડિનરમાં ગુજરાતની ખાંડવી અને જલેબીનો સ્વાદ, જયપુરની ચાંદીની થાળીમાં પીરસાયું રોયલ ભોજન

નવી દિલ્હીમાં શનિવારે BRICS સભ્ય દેશોના નેતાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં ભારતીય સ્વાદ અને સંસ્કૃતિની ઝલક જોવા મળી.

ડિનરના મેનૂમાં ગુજરાતી ખાંડવી, પનીર સાથે સૂકી ભાજી, બીટનું રાયતું અને મિલેટ્સનો પુલાવ સામેલ હતો. મીઠાઈમાં ફ્રુટ ક્રીમ વિથ જલેબી પીરસવામાં આવી હતી. કાશ્મીરની મશરૂમ ડિશ પણ મહેમાનો માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી.

મહેમાનોને ખાસ સિલ્વર પ્લેટેડ વાસણોમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. આ વાસણો જયપુરથી મંગાવવામાં આવ્યા હતા. અરુન્સ ગ્રુપ ઓફ કંપનીઝે સમિટના મેનૂ પ્રમાણે વાસણો અને કટલરીની ડિઝાઇન તૈયાર કરી હતી. બધા વાસણો પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો, જેમાં પરંપરાગત ભારતીય કારીગરી સાથે આધુનિક CNC ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ડિનરમાં મોદી સરકારના મંત્રીઓ, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કિરણ રિજિજુ અને પ્રહલાદ જોશી સહિત અનેક કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા. આસામના મુખ્યમંત્રી હિમંત સરમા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ ડિનરમાં હાજર રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, સાંસદ પંકજ ચૌધરી અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા.

ડિનર પહેલાં BRICS સભ્ય દેશોના રાષ્ટ્રપ્રમુખોએ સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો. કેરળના કથકલી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી. કલાકારોએ રંગીન વેશભૂષા, ભારે આભૂષણો અને ચહેરા પર વિશેષ મેકઅપ સાથે પૌરાણિક કથાઓના પાત્રોને રજૂ કર્યા. ડિનર દરમિયાન ભારત અને BRICSના અન્ય સભ્ય દેશોના 100થી વધુ કલાકારોના સમૂહે સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી.

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકસાથે ભારત મંડપમમાં આયોજિત ડિનર પાર્ટીમાં પહોંચ્યા. પીએમ મોદી ભારત મંડપમમાં પુતિન સાથે એલિવેટરથી ઉતર્યા.

બ્રિક્સ શિખર સંમેલન જેવા મોટા આયોજનોમાં 'ડિનર ડિપ્લોમસી'નો અર્થ ઔપચારિક બેઠકો અને કડક પ્રોટોકોલથી હટીને, રાત્રિભોજનના મેજ પર અનૌપચારિક વાતચીત કરવાનો હોય છે. એકસાથે ભોજન લેતી વખતે નેતાઓ વચ્ચેનું વાતાવરણ સહજ બની જાય છે, જેનાથી તણાવ ઓછો કરવામાં, પરસ્પર વિશ્વાસ વધારવામાં અને વિવાદિત મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરવામાં સરળતા રહે છે. ઘણીવાર જે મુશ્કેલ સમજૂતીઓ બંધ રૂમની ઔપચારિક ચર્ચામાં ઉકેલી શકાતી નથી, તેનો પાયો આવા જ ડિનર દરમિયાન અનૌપચારિક વાતચીતથી તૈયાર થાય છે.