સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS દેશોની GDP વૈશ્વિક GDP કરતાં લગભગ બમણી ઝડપે વધી: PM મોદી

BRICS દેશોની GDP વૈશ્વિક GDP કરતાં લગભગ બમણી ઝડપે વધી: PM મોદી

નવી દિલ્હીમાં યોજાયેલા 18મા BRICS શિખર સંમેલનના ભાગરૂપે 'BRICS બિઝનેસ ફોરમ'ના લીડર્સ સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICSના વિકાસ અને વૈશ્વિક અર્થતંત્રમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે 2006માં ચાર દેશોથી શરૂ થયેલું BRICS આજે 21 દેશોનો પરિવાર બની ગયું છે. આ દેશો વિશ્વની 50% વસતી, 40% GDP અને 25%થી વધુ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે.

વડાપ્રધાન મોદીએ આર્થિક આંકડા ટાંકતાં કહ્યું કે, 'આ વર્ષોમાં વૈશ્વિક GDP લગભગ અઢી ગણી થઈ છે, જ્યારે BRICS દેશોની સંયુક્ત GDP સાડા ચાર ગણી વધી છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે BRICS દેશો ગ્લોબલ ઇનોવેશન અને સોલ્યુશન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યા છે અને ભારતમાં આયોજિત આ ફોરમ અત્યાર સુધીનું સૌથી મોટું BRICS બિઝનેસ ફોરમ છે.

આ જ મંચ પરથી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોના જૂથ G7 પર પ્રહાર કરતાં કહ્યું કે, 'BRICS GDPની દૃષ્ટિએ G7થી આગળ નીકળી ગયું છે અને અમે વિશ્વના ગ્રોથ એન્જિન બની રહ્યા છીએ.' તેમણે કહ્યું કે આ સંમેલન માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ BRICS દેશો વચ્ચે મજબૂત બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધો આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આજે સમગ્ર વિશ્વ ઊંડા અને મૂળભૂત આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.

પુતિને G7 પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'છેલ્લા પાંચ વર્ષોમાં વિશ્વના કુલ GDPમાં 40%થી વધુ ઉત્પાદન એકલા BRICS દેશો દ્વારા થયું છે, જ્યારે G7નો હિસ્સો માત્ર 29% રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં અડધાથી વધુ હિસ્સો BRICS દેશોનો રહ્યો છે, જ્યારે G7 દેશોનો ફાળો માત્ર 18% સુધી સીમિત થઈ ગયો છે.' તેમણે કહ્યું કે G7ને 'ગ્રેટ-7' કેમ કહેવાય છે તે સમજાતું નથી. પુતિનના આ નિવેદનને ત્યાં હાજર લોકોએ તાળીઓથી અભિવાદન કર્યું હતું.

પુતિને વધુમાં જણાવ્યું કે BRICS દેશો પાસે વિશ્વની 50%થી વધુ વસતી છે, જેના કારણે તેમની પાસે ગતિશીલ અને મજબૂત સ્થાનિક બજારો છે. જે જૂના દેશો 20મી સદીના ઉત્તરાર્ધમાં આર્થિક વિકાસમાં અગ્રેસર હતા, તેમનું સ્થાન હવે નવા ગ્રોથ એન્જિન્સ લઈ રહ્યા છે. જોકે, પશ્ચિમી દેશો પાસે હજુ પણ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ લાભ અને વિજ્ઞાન ક્ષેત્રે મોટો પાયો છે. પરંતુ પ્રકૃતિ અને અર્થતંત્રનો નિયમ પરિવર્તન છે, અને આજે સત્તા તથા આર્થિક સંતુલન નવા કેન્દ્રો તરફ વળી રહ્યું છે.