બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે આપણે બ્રિક્સની 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. 2006માં જ્યારે આ જૂથની શરૂઆત થઈ હતી ત્યારે તેમાં માત્ર ચાર દેશો હતા. આજે બ્રિક્સ અને બ્રિક્સ પાર્ટનર્સ મળીને 21 દેશોનો પરિવાર બની ગયા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે બ્રિક્સના દેશો વિશ્વની 50 ટકા વસ્તી, 40 ટકા જીડીપી અને 25 ટકાથી વધુ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય, છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યાં વૈશ્વિક જીડીપી લગભગ 1.5 ગણો વધ્યો છે, ત્યાં બ્રિક્સ દેશોની સંયુક્ત જીડીપી લગભગ 4.5 ગણી વધી છે. એટલે કે બ્રિક્સની આર્થિક શક્તિ વિશ્વની સરખામણીમાં લગભગ બમણી ઝડપે વધી છે.
મોદીએ કહ્યું કે બ્રિક્સ દેશો વૈશ્વિક ઈનોવેશન અને સોલ્યુશન્સના મહત્વપૂર્ણ કેન્દ્રો બની રહ્યા છે. ગ્રાસરૂટથી લઈને ફ્રન્ટિયર ટેક્નોલોજી સુધી આપણા દેશોમાં ઈનોવેશનની નવી સંભાવનાઓ આકાર લઈ રહી છે. બ્રિક્સનું વધતું કદ, ઝડપ અને આશાવાદ આપણી વચ્ચે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં આયોજિત આ ફોરમ અત્યાર સુધીનું સૌથી મોટું બ્રિક્સ બિઝનેસ ફોરમ છે.