ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન બ્રેન્ડન ટેલરે ક્રિકેટના ઈતિહાસમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. મંગળવારે હરારે ખાતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં મેદાન પર ઉતરતાં જ તેમણે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો સૌથી લાંબી વનડે કારકિર્દીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
બ્રેન્ડન ટેલરની વનડે કારકિર્દી 22 વર્ષ અને 146 દિવસની થઈ ગઈ છે. આ પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમની વનડે કારકિર્દી 22 વર્ષ અને 91 દિવસ ચાલી હતી. ટેલરે સચિનને લગભગ 55 દિવસ પાછળ છોડી દીધા છે.
ટેલરે 2004માં આંતરરાષ્ટ્રીય વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. 40 વર્ષની વયે તેમણે 207 વનડે મેચોમાં 11 સદી ફટકારી છે.
જોકે, આ રેકોર્ડ તૂટવા છતાં વનડે ફોર્મેટમાં સચિન તેંડુલકરના અનેક મોટા રેકોર્ડ હજુ પણ અકબંધ છે. સચિન વનડે ક્રિકેટમાં સૌથી વધુ 18,426 રન બનાવનારા બેટ્સમેન છે અને સૌથી વધુ 463 મેચ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
ટેલરે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ 2022માં ICCના એન્ટિ-કરપ્શન અને એન્ટિ-ડોપિંગ કોડના ઉલ્લંઘનનો દોષી ઠરતાં તેમના પર સાડા ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સસ્પેન્શન પૂરું થયા બાદ તેમણે 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું. ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા અને નામિબિયા સાથે 2027ના વનડે વર્લ્ડ કપની સહ-મેજબાની કરવા જઈ રહ્યું હોવાથી તેમણે ટીમમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
હરારેમાં રમાઈ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વેની ધરતી પર બંને ટીમો વચ્ચે 12 વર્ષ બાદ આ પ્રથમ વનડે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શ તે ત્રણ ખેલાડીઓમાંથી એક છે, જેઓ 2014માં બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી વનડેમાં પણ રમ્યા હતા અને હવે 12 વર્ષ બાદ ફરી આ ઐતિહાસિક મેચનો ભાગ બન્યા છે.