સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રાઝિલમાં 80 હત્યાનો આરોપી સીરિયલ કિલર મહિલાના વેશમાં ઝડપાયો, સાથે 2 વર્ષનું બાળક

બ્રાઝિલમાં 80 હત્યાનો આરોપી સીરિયલ કિલર મહિલાના વેશમાં ઝડપાયો, સાથે 2 વર્ષનું બાળક

બ્રાઝિલના પૈરાઈબા રાજ્યમાં પોલીસે 33 વર્ષીય જોરલાન અલ્વેસ દા સિલ્વાની ધરપકડ કરી છે. તેના પર 80 લોકોની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે તેને મહિલાના વેશમાં ભાગતા પકડ્યો હતો. તેની સાથે 2 વર્ષનું બાળક પણ હતું.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ધરપકડ વખતે જોરલાને પટ્ટાવાળો ડ્રેસ, લાંબા કાળા વાળની વિગ, મહિલાઓના સેન્ડલ, કાળા ચશ્મા અને નેલ પોલિશ પહેર્યા હતા. પોલીસે તેની વિગ ખસેડતાં તેની અસલી ઓળખ સામે આવી. પોલીસ બાળક કોનું છે અને તેની પાસે કેવી રીતે આવ્યું તેની તપાસ કરી રહી છે.

આ ધરપકડ પહેલાં પોલીસે જોરલાન અને તેના સાથીઓની કાર રોકીને તલાશી લીધી હતી. તે સમયે એક સાથી પકડાયો, પરંતુ જોરલાન નાસી છૂટ્યો હતો. બાદમાં પોલીસે તેને દબોચી લીધો.

પોલીસના જણાવ્યા અનુસાર, જોરલાન સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલી ગેંગ માટે સોપારી લઈને હત્યાઓ કરતો હતો. છેલ્લા 3 મહિનામાં ઓછામાં ઓછી 15 હત્યાઓમાં તેનું નામ સામે આવ્યું છે. પૂછપરછમાં તેણે કહ્યું કે તેણે પ્રથમ હત્યા 13 વર્ષની ઉંમરે કરી હતી અને અત્યાર સુધીમાં કુલ 80 લોકોની હત્યા કરી છે. પોલીસ તેના દાવાની સચ્ચાઈ ચકાસી રહી છે.

તપાસ દરમિયાન 1 ઓગસ્ટના રોજ રિયો તિંતોમાં થયેલી 2 વેપારીઓની હત્યાના કેસમાં મહત્વના પુરાવા મળ્યા છે. પોલીસ અધિકારી ડગલસ ગાર્સિયાના જણાવ્યા મુજબ, આરોપીએ પોલીસ ટીમને એ જગ્યાએ લઈ ગયો જ્યાં એક મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો. જો 80 હત્યાઓનો દાવો સાબિત થશે, તો તે બ્રાઝિલના ગુનાહિત ઇતિહાસનો સૌથી મોટો કેસ બનશે. અગાઉ પેડ્રો રોડ્રિગ્સ ફિલ્હો નામના ગુનેગારને 71 હત્યાઓ માટે દોષિત ઠેરવાયો હતો. પોલીસ તેના સમગ્ર ગુનાહિત ઇતિહાસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.