બ્રાઝિલની સંસદે અઠવાડિયામાં મહત્તમ 40 કલાક કામ કરવાના બંધારણીય સુધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી દેશના 3 કરોડથી વધુ કામદારોને સીધો ફાયદો થશે. પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા ડા સિલ્વા માટે આ એક મોટી રાજકીય જીત માનવામાં આવે છે.
આ સુધારા હેઠળ બ્રાઝિલમાં ચાલી રહેલી 6 દિવસીય કામકાજની પ્રથા (6x1 શેડ્યૂલ) પર પ્રતિબંધ મુકાયો છે. હાલમાં દેશના 1.6 કરોડ લોકો અઠવાડિયામાં 6 દિવસ કામ કરે છે. નવા નિયમથી અઠવાડિયાના કામના કલાકો 44થી ઘટાડીને 40 કરવામાં આવ્યા છે અને અઠવાડિયામાં 2 દિવસની રજા મળશે. આનો સૌથી વધુ લાભ રિટેલ, રેસ્ટોરન્ટ અને હોટેલ જેવા ઓછા પગારવાળા ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને મળશે.
ચૂંટણી પહેલા નેતાઓની ભૂમિકા: પ્રમુખ લુલાએ તેમના વિરોધી અને ઉગ્ર જમણેરી વિચારસરણી ધરાવતા સેનેટર ફ્લાવિયો બોલ્સોનારો સામે ચૂંટણી પ્રચારમાં આગળ નીકળવા માટે આ કાયદાને સતત પ્રોત્સાહન આપ્યું હતું. શરૂઆતમાં બોલ્સોનારોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો અને બેરોજગારી વધવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ સર્વેક્ષણોમાં 70%થી વધુ લોકો આ કાયદાની તરફેણમાં હોવાનું સામે આવતાં તેમણે પોતાનું વલણ બદલવું પડ્યું અને સુધારાની તરફેણમાં મત આપવો પડ્યો. સંસદના નીચલા ગૃહ બાદ હવે સેનેટમાં પણ 75 સેનેટરોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.
સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર: આ પ્રસ્તાવની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર ચાલેલા 'લાઈફ બિયોન્ડ વર્ક' નામના અભિયાનથી થઈ હતી. વિશ્લેષકો અને સંશોધકોના મતે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ રજા મળવાને કારણે કર્મચારીઓ સામાજિક જીવન જીવી શકતા નહોતા અને માનસિક તણાવ, થાક તથા બીમારીઓનો ભોગ બનતા હતા. આ સુધારો અમલમાં આવવાથી કામદારોને પરિવાર સાથે સમય વિતાવવાનો, આરામ કરવાનો અને પોતાની સંભાળ રાખવાનો પૂરતો સમય મળશે.
સુધારો ક્યારથી અમલમાં આવશે? સંસદના પ્રમુખ દ્વારા સત્તાવાર જાહેરાત કરાયા બાદ 60 દિવસ પછી 6 દિવસીય કામકાજનો અંત આવશે અને કામના કલાકો 44થી ઘટીને 42 થશે. ત્યારબાદ આગામી 14 મહિનામાં કામના કલાકો સંપૂર્ણપણે ઘટીને 40 કલાક થઈ જશે. જોકે ચૂંટણીના મતદાન પહેલા આ નિયમો સીધા લાગુ નહીં થાય, પરંતુ લુલા માટે આ નિર્ણય મતદારોને આકર્ષવામાં શક્તિશાળી હથિયાર સાબિત થઈ રહ્યો છે.