સત્ય. સાહસ. સંકલ્પ.

BPL ફિક્સિંગ વિવાદ: BCBના ત્રણ પૂર્વ અધિકારીઓ સસ્પેન્ડ, ICC કોડ હેઠળ કેસ નોંધાયો

BPL ફિક્સિંગ વિવાદ: BCBના ત્રણ પૂર્વ અધિકારીઓ સસ્પેન્ડ, ICC કોડ હેઠળ કેસ નોંધાયો

ઢાકા: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની ૧૨મી સીઝનમાં થયેલી કથિત ગડબડી બાદ ત્રણ પૂર્વ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણેય પર મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના આરોપો છે.

BCB દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં પૂર્વ ડિરેક્ટર મોહમ્મદ મુખલેસુર રહેમાન (શમીમ), પૂર્વ સુરક્ષા સંપર્ક અધિકારી ઝાકિર હુસૈન અને બોગુરા જિલ્લાના પૂર્વ કાઉન્સિલર રકિબુલ ઇસ્લામ સન્નીનો સમાવેશ થાય છે. આ તમામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના એન્ટી-કરપ્શન કોડના ઉલ્લંઘનનો આરોપ છે.

BCBની ઇન્ટિગ્રિટી યુનિટની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મેચના પરિણામોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો, અન્ય ખેલાડીઓને ભ્રષ્ટાચાર માટે ઉશ્કેર્યા, એન્ટી-કરપ્શન અધિકારીઓ પાસેથી માહિતી છુપાવી અને તપાસમાં અવરોધ ઉભો કર્યો. એક આરોપી પર મેસેજ અને ચેટ ડિલીટ કરીને પુરાવા નષ્ટ કરવાનો પણ આરોપ છે.

BCB એ ત્રણેયને નોટિસ મોકલીને ૧૪ દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. શિસ્તભંગની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય પર સસ્પેન્શન ચાલુ રહેશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તપાસ ચાલુ હોવાથી આ મામલે વધુ ટિપ્પણી કરવામાં આવશે નહીં.