સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ, ઉમરડા અને ચોરવીરા ગામના ખેડૂતોએ BPCLની પાઇપલાઇન વિરોધ નોંધાવ્યો છે. અપૂરતું વળતર, વચન મુજબનું માટીકામ ન થવું અને પાક નુકસાનીના મુદ્દે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, પાઇપલાઇન પસાર થતી જમીન માટે પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 12 વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. જે જમીનમાંથી પાઇપલાઇન પસાર થાય છે ત્યાં પાંચ વર્ષ સુધી પાક ન થવાથી પાક નુકસાનીનો પણ પ્રશ્ન છે. ખેડૂતોએ જંત્રીના ચાર ગણા વળતરની માંગ કરી છે.
ખેડૂતોનું કહેવું છે કે તેઓએ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વિરોધને પગલે ત્રણ ગામોની આશરે 100 વીઘા જમીનમાં પાઇપલાઇનનું કામ અટકી પડ્યું છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે વળતર, માટીકામ અને પાક નુકસાનીનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાઇપલાઇનનું કામ થવા દેવામાં નહીં આવે.