હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈ બીપી આજે સામાન્ય સમસ્યા બની ગઈ છે. દુનિયાભરમાં લગભગ 1.4 અબજ પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. ડોક્ટરો બીપી કંટ્રોલમાં રાખવા નિયમિત દવા લેવાની સલાહ આપે છે, પણ ઘણા લોકો દવા લેવામાં બેદરકારી દાખવે છે.
નવા સંશોધન મુજબ, બીપીની દવા અનિયમિત લેવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે મળતું રક્ષણ ઘટી જાય છે. યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના નિષ્ણાત મિસ કિઆનકિયાન યાંગે આ અંગે વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો છે. સાયન્સડેઇલીના અહેવાલ મુજબ, ESC કોંગ્રેસ 2026માં રજૂ થયેલા આ રિપોર્ટમાં 91,339 લોકોના ડેટાનું ઊંડું વિશ્લેષણ કરાયું છે.
સંશોધકોએ 9 ક્લિનિકલ ટ્રાયલના ડેટાનો અભ્યાસ કર્યો. લોકોને બે જૂથમાં વહેંચાયા: જેમણે ડોક્ટરે આપેલી દવાના 80% કે તેથી વધુ ડોઝ નિયમિત લીધા તે 'ઉચ્ચ-પાલન' જૂથમાં, અને 80%થી ઓછા ડોઝ લેનારા 'ઓછા પાલન' જૂથમાં.
પરિણામ ચોંકાવનારું હતું. નિયમિત દવા લેનારાઓમાં હાર્ટ એટેક, સ્ટ્રોક, ઇસ્કેમિક હૃદય રોગ કે હાર્ટ ફેલ થવાના જોખમમાં 11% ઘટાડો જોવા મળ્યો. તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર પણ 5.2 mmHg નીચું રહ્યું.
બીજી તરફ, અનિયમિત દવા લેનારાઓને ખાસ ફાયદો થયો નહીં. તેમનું બ્લડ પ્રેશર માત્ર 3.0 mmHg ઘટ્યું અને હૃદય રોગના હુમલા સામે નોંધપાત્ર રક્ષણ મળ્યું નહીં.
અભ્યાસમાં ચિંતાજનક બાબત એ પણ સામે આવી કે સમય જતાં દર્દીઓની દવા લેવાની નિયમિતતા ઘટે છે. ક્લિનિકલ ટ્રાયલના કડક નિયમો અને દેખરેખ છતાં, પ્રથમ વર્ષે 88% લોકોએ નિયમિત દવા લીધી, જે પાંચમા વર્ષે ઘટીને 79% થઈ ગઈ.
મિસ યાંગે જણાવ્યું, "અમારા પરિણામો એ કહેવત સાચી ઠેરવે છે કે 'જો દર્દી દવા જ ન ખાય, તો દવા કોઈ કામની નથી.' નિયમિત દવા લેનારા દર્દીઓનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હૃદય રોગનું જોખમ ટળે છે, જ્યારે અનિયમિત લોકોને લાભ મળતો નથી."
સંશોધકોએ ઉકેલ માટે ભલામણ કરી છે કે દવા લેવાનું શેડ્યૂલ સરળ બનાવાય, શક્ય હોય ત્યાં બહુવિધ દવાઓને એક જ ગોળીમાં ભેગી કરાય અથવા લાંબા સમય સુધી અસર કરતી દવાઓ વાપરવામાં આવે.
ESC કોમ્યુનિકેશન કમિટીના અધ્યક્ષ પ્રોફેસર ફેલિક્સ મહફૌદે ભાર મૂક્યો કે, "વર્ષોથી આપણે અનિયંત્રિત બીપી પાછળ દર્દીઓની દવા ન લેવાની આદતને નજરઅંદાજ કરી રહ્યા છીએ. દવા લેવામાં ક્યાં અડચણ આવે છે તે વિશે ડોક્ટરોએ દર્દીઓ સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ, જેથી તેઓ નિયમિત દવા લેવા પ્રેરાય અને તેમનો જીવ બચી શકે."
આ સંશોધન સ્પષ્ટ સંદેશ આપે છે કે બીપીની દવા નિયમિત લેવી જરૂરી છે. દવા ચૂકી જવાથી માત્ર બ્લડ પ્રેશર જ નહીં, પણ હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ પણ વધે છે.