સત્ય. સાહસ. સંકલ્પ.

બોટાદ કથિત તોડકાંડમાં નવો વળાંક: મયુર જમોડને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ, એસપીને લેખિત અરજી

બોટાદ કથિત તોડકાંડમાં નવો વળાંક: મયુર જમોડને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ, એસપીને લેખિત અરજી

બોટાદમાં ચર્ચામાં રહેલા લગભગ એક કરોડ રૂપિયાના કથિત તોડકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. જય માંધાતા ગ્રુપના પ્રમુખ અને કોળી સમાજના આગેવાન મયુર જમોડે આરોપ લગાવ્યો છે કે, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

મયુર જમોડના જણાવ્યા મુજબ, ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર અસભ્ય ભાષાનો ઉપયોગ કરીને કથિત તોડકાંડ મુદ્દે બોલવાનું બંધ કરવાનું કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, હડદડ ગામના વિજયભાઈ જેસિંગભાઈ નામના વ્યક્તિએ તેમને ફોન કર્યો હતો. વિજયભાઈએ પોતાને રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાની ઓળખ આપીને ધમકી આપી હોવાનો પણ મયુર જમોડે આક્ષેપ કર્યો છે.

આ ધમકી બાદ મયુર જમોડે બોટાદ એસપી કચેરીમાં લેખિત અરજી કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે એવી પણ રજૂઆત કરી છે કે, પોતાને અથવા પરિવારને કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી તોડકાંડમાં સંડોવાયેલા લોકોની રહેશે.

હાલ પોલીસે આ અંગે કોઈ ચોક્કસ કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી નથી. આરોપો નિર્દોષ માણસો સામે છે એટલે વાંચનારે યાદ રાખવું જોઈએ કે, કોઈ પણ આરોપ સાબિત થાય ત્યાં સુધી તે આરોપ જ ગણાય. પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.