બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) જી.ડી. આહીરનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જલાલપુર પ્રાથમિક શાળામાં યોજાયેલા સાઇબર અવેરનેસ કાર્યક્રમ દરમિયાનનો છે, જેમાં ગ્રામજનોએ તેમને દારૂબંધી કરવા અંગે રજૂઆત કરી હતી.
ગ્રામજનોની રજૂઆતનો જવાબ આપતા મહિલા PSIએ કહ્યું હતું કે, કોઈપણ સરકાર આવે, દારૂ ક્યારેય બંધ ન થાય, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય. આ નિવેદન વિવાદનું કારણ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જલાલપુર ગામના નાગરિકો અને કોંગ્રેસ આગેવાનોએ દારૂના વેચાણ સામે પદયાત્રા યોજી હતી. જલાલપુરથી ઢસા પોલીસ સ્ટેશન સુધીની આ પદયાત્રામાં ગ્રામજનોએ દારૂ બંધ કરવાની માંગ કરી હતી અને દારૂ બંધ ન થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપી હતી. પદયાત્રા બાદ પોલીસ દ્વારા આયોજિત સાઇબર અવેરનેસ કાર્યક્રમમાં ગ્રામજનોએ ફરી મહિલા PSIને દારૂ બંધ કરવા રજૂઆત કરી હતી.
વિવાદાસ્પદ વીડિયો વાયરલ થતાં જ જિલ્લા પોલીસ અધીક્ષક (SP) ધર્મેન્દ્ર શર્માએ સમગ્ર કેસની તપાસ બોટાદના ડિવાયએસપી (DYSI) મહર્ષિ રાવલને સોંપી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મહિલા PSIને લિવ રિઝર્વમાં મુકાયા છે.
ડિવાયએસપી મહર્ષિ રાવલે મીડિયા સમક્ષ જણાવ્યું કે, જલાલપુરના લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ 76થી વધુ રેડ કરવામાં આવી છે અને ભૂતકાળમાં ત્રણ શખ્સોને તડીપાર કરીને 27થી વધુ ગુનાઓ નોંધ્યા છે.