સત્ય. સાહસ. સંકલ્પ.

બોટાદ: દારૂ અંગે PSIના કથિત નિવેદનનો વીડિયો વાયરલ, તપાસ સુધી લીવ રિઝર્વમાં મૂકાયા

બોટાદ: દારૂ અંગે PSIના કથિત નિવેદનનો વીડિયો વાયરલ, તપાસ સુધી લીવ રિઝર્વમાં મૂકાયા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનના PSI ગીતા આહીરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેમને દારૂ અંગે કથિત નિવેદન આપતા દર્શાવવામાં આવ્યા છે. વીડિયોમાં તેઓ કથિત રીતે કહેતા સંભળાય છે કે, “દારૂ ક્યારેય બંધ ન થાય, તેને કંટ્રોલ કરી શકાય.” આ વીડિયોને લઈને ચર્ચા શરૂ થઈ છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં જલાલપુર ગામની પ્રાથમિક શાળામાં સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ ગામમાં દારૂના વેચાણ અંગે ઢસા પોલીસ સ્ટેશનના PSI ગીતા આહીર સમક્ષ રજૂઆત કરી હતી. આ ઘટનાના સંદર્ભમાં જ આ વીડિયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોની રજૂઆત અને PSIના કથિત નિવેદનને લઈને સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે.

વાયરલ વીડિયો અને ગ્રામજનોની રજૂઆતના સંદર્ભમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે તપાસ અધિકારી અને DYSP મહર્ષિ રાવલે જણાવ્યું છે કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઢસા પોલીસ સ્ટેશનના PSI ગીતા આહીરને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જલાલપુર ગામના પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરો સામે અત્યાર સુધીમાં 76થી વધુ વખત રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ત્રણ શખ્સોને ભૂતકાળમાં તડીપાર કરવામાં આવ્યા હોવાનું અને તેમની સામે 27થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તરફથી જણાવાયું છે.

હાલ વાયરલ વીડિયો અને ગ્રામજનોની રજૂઆતના આધારે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.