સત્ય. સાહસ. સંકલ્પ.

બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજની બેઠક: SIT તપાસની માંગ

બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજની બેઠક: SIT તપાસની માંગ

બોટાદમાં ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયેલા એક યુવક પાસેથી પોલીસ અને કેટલાક રાજકીય આગેવાનો દ્વારા કથિત રીતે 1 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાના આરોપને પગલે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે ન્યાય મેળવવા માટે 7 સપ્ટેમ્બરના રોજ બોટાદના સર્કિટ હાઉસ ખાતે સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી ઠાકોર સમાજના પ્રમુખ ભુપતભાઈ ડાભી, ગુજરાત પ્રદેશ એકમના ઉપપ્રમુખ પ્રવીણભાઈ સાકરીયા, જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ સહિત અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાનોમાં બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ, તાલુકા ભાજપના પૂર્વ પ્રવક્તા નરશીભાઈ અણીયાળીયા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ધનજીભાઈ ગોહિલ અને ગઢડા નગરપાલિકાના સદસ્ય અજયભાઈ ઝાલા આદિ હાજર હતા.

બેઠકમાં આગેવાનોએ આક્ષેપ કર્યો કે ભોગ બનનાર યુવક અને તેના પરિવારજનો પર પોલીસ અને રાજકીય નેતાઓ તરફથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને ઈન્કમટેક્સની તપાસમાં ફસાવી દેવાની અને ઓનલાઈન ગેમિંગના કેસમાં ખોટી ફરિયાદો દાખલ કરવાની ધમકીઓ અપાઈ રહી છે. એવું પણ કહેવાયું હતું કે આ મામલે માત્ર એક જ નહીં, પરંતુ અન્ય સમાજોના પણ કેટલાક યુવાનો પાસેથી રકમ પડાવવામાં આવી છે, અને જરૂર પડ્યે તમામ ભોગ બનનારના નામ જાહેર કરવામાં આવશે.

સમાજ દ્વારા આ મામલે પારદર્શક તપાસની માંગ કરતા કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આગેવાનો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરશે. તેમની માંગ છે કે આ મામલાની તપાસ માટે રાજ્ય સરકાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરે. જો આમ નહીં થાય તો મામલો દિલ્હી સુધી લઈ જવામાં આવશે એવી ચીમકી પણ અપાઈ છે.

હાલમાં બોટાદમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે, પરંતુ પોલીસ કે સંડોવાયેલા રાજકીય નેતાઓ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.