બોટાદમાં ચર્ચા ચાલી રહેલા કથિત 1 કરોડ રૂપિયાના 'તોડકાંડ' મામલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપી છે. બોટાદના સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ સોલંકીએ કોળી સમાજના અન્ય ભાજપ આગેવાનો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ઉમેશ મકવાણાના આક્ષેપો સામે વળતી ચેલેન્જ ફેંકી છે.
પ્રેસ કોન્ફરન્સમાં વિનોદ સોલંકીએ આક્ષેપ કર્યો કે, કોળી સમાજના ખભે બંદૂક રાખીને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આંતરિક રાજકીય મતભેદોમાં એકબીજાનો કાંટો કાઢવા માટે કોળી સમાજનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો ભોગ બનનાર વ્યક્તિ કોળી સમાજનો દીકરો હોય અને તેની સાથે અન્યાય થયો હોય તો તેની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ.
સોલંકીએ કથિત તોડકાંડ મામલે નિષ્પક્ષ પોલીસ તપાસની માંગ કરતા DySP મહર્ષિ રાવલ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે તપાસના અંતે સત્ય બહાર આવશે અને ભાજપનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં હોવાનું સ્પષ્ટ થશે. તેમણે ધારાસભ્ય ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, ભાજપનો કોઈ મહામંત્રી કે અન્ય હોદ્દેદાર 1 કરોડનું પેમેન્ટ લેવા ગયો હોવાનું સાબિત કરી બતાવે. જો ભાજપનો કોઈ પણ આગેવાન રકમ લેવા ગયો હોવાનું સાબિત થશે તો તેઓ પોતે જાહેર જીવન છોડી દેશે.
સોશિયલ મીડિયા પર ભાજપ જિલ્લા પ્રમુખ મયૂરભાઈ પટેલના નામ અને ફોટા સાથે કરાયેલા આક્ષેપોને ફગાવતા તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટના બની છે કે નહીં તે પોલીસ તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ સમાજ કે વ્યક્તિનું નામ જાહેર કરવું યોગ્ય નથી.
શું કહ્યું હતું ઉમેશ મકવાણાએ?
એબીપી અસ્મિતાના કાર્યક્રમ 'હું તો બોલીશ'માં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદના કલ્પેશ મીઠાપરા નામના યુવક સાથે થયેલા લાખો રૂપિયાના તોડકાંડનો પર્દાફાશ કર્યો હતો. ઉમેશ મકવાણાના દાવા મુજબ, ગત 14-8-2026ના રોજ રાત્રિના સમયે પોલીસ કલ્પેશને ઉઠાવી ગઈ હતી. ત્યારબાદ તેને શારીરિક માર ન મારવા તેમજ કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ન કરવાના બદલામાં લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર કૌભાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોટાદ ભાજપના મોટા આગેવાનોની સંપૂર્ણ મિલીભગત છે. યુવકને કાયદાકીય સકંજામાંથી બચાવવાના નામે ભાજપના જ નેતાઓએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ તોડકાંડ પેટે ગારીયાધારથી આંગડિયા પેઢી મારફતે બોટાદમાં 40 થી 60 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મોકલવામાં આવી હતી. આ રકમ કટકે-કટકે 20-20 લાખના હપ્તામાં લેવાઈ હોવાનો દાવો કરાયો છે. સૌથી મોટો આક્ષેપ એ છે કે ભાજપના એક મોટા નેતા પોતે આંગડિયા પેઢીમાં જઈને આ પૈસા લાવ્યા હતા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ નક્કર પુરાવા તરીકે ઉપલબ્ધ હોવાનો દાવો મકવાણાએ કર્યો છે.
બોટાદમાં કથિત 1 કરોડ રૂપિયાના 'તોડકાંડ' મામલે ભારે ચર્ચા ચાલી રહી છે, જેમાં રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ભાજપના આગેવાન વિનોદ સોલંકીએ કોળી સમાજના અન્ય આગેવાનો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રતિક્રિયા આપી. ધારાસભ્યએ દાવો કર્યો કે કલ્પેશ મીઠાપરા પાસેથી પોલીસ અને ભાજપ નેતાઓની મિલીભગતથી લાખોનો તોડ થયો છે. તેમણે એક મોટા ભાજપ નેતાએ આંગડિયામાંથી પૈસા લીધા હોવાના CCTV ફૂટેજ ઉપલબ્ધ હોવાનો પણ દાવો કર્યો. તેમણે ચેલેન્જ ફેંકી કે ભાજપનો કોઈ મહામંત્રી કે હોદ્દેદાર 1 કરોડનું પેમેન્ટ લેવા ગયો હોવાનું સાબિત કરે. જો સાબિત થશે, તો તેઓ જાહેર જીવન છોડી દેશે.