બોટાદ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી એક તોડકાંડના મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કથિત રીતે એક કોળી સમાજના યુવકને ગેમિંગ કેસમાં ફસાવી તેની પાસેથી 1 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનો આરોપ છે.
આ મામલાનો પર્દાફાશ કરતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે પોતાના જ પક્ષના કેટલાક સ્થાનિક નેતાઓ અને પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે આ તોડકાંડમાં ભાજપના કેટલાક નેતાઓ અને પોલીસ અધિકારીઓની સંડોવણી છે.
જગદીશ ચૌહાણે દાવો કર્યો છે કે આ અંગે તેમણે અગાઉ બોટાદ જિલ્લાના ભાજપ પ્રભારી દશરથજી ઠાકોરને રજૂઆત કરી હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતાં હવે તેઓ ગાંધીનગર જઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે. તેઓ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆત કરશે.
કોળી સમાજમાં આ ઘટનાથી રોષ છે. ચૌહાણે માંગ કરી છે કે આ તોડકાંડમાં સંડોવાયેલા તમામ લોકોના નામ જાહેર કરી તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉપરાંત, જો નિષ્પક્ષ તપાસ નહીં થાય તો કોળી સમાજ આંદોલન કરવા મજબૂર થશે તેવી ચીમકી પણ તેમણે આપી છે.