સત્ય. સાહસ. સંકલ્પ.

બોટાદ: કોળી યુવાનો પાસેથી ₹1 કરોડ તોડનો આરોપ, MLA અને ભાજપ નેતા વચ્ચે વિવાદ

બોટાદ: કોળી યુવાનો પાસેથી ₹1 કરોડ તોડનો આરોપ, MLA અને ભાજપ નેતા વચ્ચે વિવાદ

બોટાદમાં ઓનલાઈન ગેમિંગના કેસમાં ફસાયેલા કોળી સમાજના બે યુવાનો પાસેથી સ્થાનિક પોલીસ અને ભાજપના એક હોદ્દેદારે કથિત રીતે ₹1 કરોડનો તોડ કર્યો હોવાનો આરોપ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લગાવ્યો છે. આ આક્ષેપને પગલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મકવાણાના દાવા મુજબ, યુવાનોને ડરાવવામાં આવ્યા અને કથિત રીતે માર પણ મારવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આ તોડકાંડમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ ₹60 લાખ આંગડિયા પેઢી મારફતે લીધા, જ્યારે બાકીના ₹40 લાખ સ્થાનિક પોલીસે લીધા. મકવાણાએ કહ્યું કે તેમની પાસે આ સમગ્ર કૌભાંડના પુરાવા છે અને તેઓ ટૂંક સમયમાં જ પર્દાફાશ કરશે.

સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે આ કથિત નેતા જિલ્લા ભાજપના વરિષ્ઠ હોદ્દેદાર છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ટિકિટ મેળવવાની અપેક્ષા રાખે છે. આ ઘટના બહાર આવતા કોળી સમાજમાં આક્રોશ છે. અખિલ ભારતીય કોળી સમાજના બોટાદ જિલ્લા પ્રમુખ ભૂપતભાઈ ડાભીએ વીડિયો જાહેર કરી તટસ્થ તપાસની માંગ કરી છે.

ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે પણ નિષ્પક્ષ તપાસ અને જવાબદારોના નામ જાહેર કરવાની માંગ કરી છે. અગાઉ જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર સમક્ષ રજૂઆતો થઈ હોવાનો દાવો છે.

આજે સાંજે 4 વાગ્યે બોટાદના સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનોની મહાબેઠક બોલાવાઈ છે. સમાજના યુવાનો સાથે થયેલા અન્યાય સામે લડવાની વ્યૂહરચના ઘડાશે. જો ન્યાય નહીં મળે તો ગાંધીનગર કમલમ ખાતે રજૂઆત અને જલદ આંદોલન કરવાની ચીમકી અપાઈ છે. હવે સૌની નજર છે કે આ મામલામાં કયા નામ સામે આવે છે.