અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ગત ચોમાસામાં આ વિસ્તારમાં બે દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને મોટું પગલું ભર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી હતી. જે બાદ આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, ઘુમા અને બોપલ તળાવો તેમજ આસપાસની સોસાયટીઓમાં ભરાતું વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે. જેમાં રાજયાશ, આંબલી અને સૂર્યશ્રીજી સહિતનાં તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાશે. આ પાણીનો નિકાલ ગોતા-ગોધાવી કેનાલમાં થાય છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનના પ્રોજેક્ટમાં ઘુમા, ઘુમા-1 અને રસ્તા તળાવનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે. બોપલ અને ઘુમા વિસ્તારની સોસાયટીઓમાં ભરાતું વરસાદી પાણી ઝડપથી બહાર કાઢવા માટે નેટવર્ક નાખવામાં આવશે. ઘુમા અને રત્ના તળાવ ઓવરફ્લો ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને થોડી રાહત મળી શકે છે, પરંતુ બે વર્ષ બાદ મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા દૂર થઈ જશે.