સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના બોપલમાં 'પોલીસ' પ્લેટવાળી કારે 6 વાહનોને ટક્કર મારી, નશામાં ધૂત ચાલક અટકાયતમાં

અમદાવાદના બોપલમાં 'પોલીસ' પ્લેટવાળી કારે 6 વાહનોને ટક્કર મારી, નશામાં ધૂત ચાલક અટકાયતમાં

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે, જેમાં 'પોલીસ' લખેલી પ્લેટ ધરાવતી કારના નશામાં ધૂત ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને છ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટના ગત રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે બોપલના અક્ષરધામ બંગલોઝ વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર, અક્ષરધામ બંગલોઝમાં રહેતા નિશિથ શાહે જણાવ્યું કે તેમના ઘર બહાર જોરદાર ધડાકો થયો હતો. બહાર નીકળીને જોતાં જાણવા મળ્યું કે એક બેકાબૂ કારે તેમની ડસ્ટર કાર સહિત બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર રોકાઈ ગઈ હતી.

ઘટનાસ્થળે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. લોકોના આક્ષેપ મુજબ, કારચાલક અતિશય નશાની હાલતમાં હતો. કાર પર 'પોલીસ' લખેલી પ્લેટ જોઈને લોકોએ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને બોપલ પોલીસને જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી બોપલ પોલીસે કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાની અટકાયત કરી છે અને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જોકે, આ મામલે પોલીસની તપાસ સામે પણ સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં કાર પર સ્પષ્ટપણે 'પોલીસ' લખેલું દેખાય છે, છતાં પ્રાથમિક વિગતો મુજબ પોલીસ ફરિયાદમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કારચાલક પોતે પોલીસ કર્મચારી છે કે અન્ય કોઈ વ્યક્તિ, તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ ન થતાં સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.