સત્ય. સાહસ. સંકલ્પ.

Booking.com સામે યુરોપિયન કમિશનની તપાસ, છેતરપિંડીના આરોપમાં દંડનો ખતરો

Booking.com સામે યુરોપિયન કમિશનની તપાસ, છેતરપિંડીના આરોપમાં દંડનો ખતરો

ઓનલાઇન હોટેલ બુકિંગ માટે વિશ્વભરમાં જાણીતું પ્લેટફોર્મ Booking.com હાલમાં છેતરપિંડીના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યું છે. યુરોપિયન કમિશને આ પ્લેટફોર્મ પર ચાલતા ફિશિંગ કૌભાંડો, નકલી લિસ્ટિંગ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અંગે સત્તાવાર તપાસ શરૂ કરી છે. કંપની દોષિત સાબિત થશે તો તેને તેની વૈશ્વિક વાર્ષિક આવકના 6 ટકા જેટલો દંડ ભરવો પડી શકે છે.

યુરોપિયન કમિશનની આ તપાસ મુખ્યત્વે 'ડિજિટલ સર્વિસીસ ઍક્ટ' (DSA) હેઠળ હાથ ધરવામાં આવી છે. આ કાયદા હેઠળ મોટા ઓનલાઇન પ્લેટફોર્મ્સે ગ્રાહકોને નુકસાન પહોંચાડતી સામગ્રી અને કૌભાંડો રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. તપાસમાં ત્રણ બાબતો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નકલી અને છેતરપિંડીભર્યા લિસ્ટિંગ: પ્લેટફોર્મ પર એવી ઘણી પ્રોપર્ટી કે હોટેલ બતાવવામાં આવે છે જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ હોતી નથી. ઉપરાંત, ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતાં લિસ્ટિંગ અને નિયમોનું ઉલ્લંઘન કરતી ઓફરોનો પણ તેમાં સમાવેશ થાય છે.

ફિશિંગ કૌભાંડો અને ડેટાનો દુરુપયોગ: હેકર્સ અને કૌભાંડીઓ Booking.com પરથી મહેમાનોના રિઝર્વેશન અને અંગત ડેટાનો ઉપયોગ કરીને ફિશિંગ હુમલા કરે છે. ગ્રાહકોને ખોટી લિંક્સ મોકલીને પેમેન્ટ માટે છેતરવામાં આવે છે.

છુપી જાહેરાતો (બૂસ્ટેડ લિસ્ટિંગ): પ્લેટફોર્મ પર કેટલીક હોટેલ્સ વધુ પૈસા આપીને પોતાનું નામ સર્ચ રિઝલ્ટમાં ઉપર બતાવે છે, પરંતુ ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી કે આ 'પેઇડ જાહેરાત' છે. ગ્રાહકોને એ જાણવાનો અધિકાર છે કે તેમને દેખાતું લિસ્ટિંગ જાહેરાત છે કે સામાન્ય સર્ચનું પરિણામ.

હાલમાં જ સામે આવેલા અહેવાલો મુજબ, ડચ કન્ઝ્યુમર ઍસોસિએશનને 2025માં Booking.com પર થયેલા કૌભાંડો અંગે 200 ફરિયાદો મળી હતી, જેમાં ગ્રાહકોએ લગભગ 65,000 યુરો ગુમાવ્યા હતા. આ આંકડો વર્ષ 2024 (89 ફરિયાદો અને 25,000 યુરો) કરતાં ઘણો વધારે છે. Booking.com આવા જોખમો ઘટાડવામાં નિષ્ફળ જશે તો તે DSAની કલમ 34, 35 અને 26(1)નું સીધું ઉલ્લંઘન ગણાશે.

આ તપાસ અંગે Booking.comના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ યુરોપિયન કમિશન સાથે પૂરા સહકારથી રચનાત્મક રીતે કામ કરી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે ગ્રાહકોની સુરક્ષા, વિશ્વાસ અને તેમની વ્યક્તિગત માહિતીનું રક્ષણ તેમની પ્રાથમિકતા છે. તેઓ સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે સંબંધિત સરકારો અને કાયદાકીય સંસ્થાઓ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.

યુરોપના નાગરિકો કોઈપણ ડર વિના પોતાની રજાઓ પ્લાન કરી શકે તે માટે યુરોપિયન યુનિયન કટિબદ્ધ છે. આ તપાસ બાદ જ નક્કી થશે કે Booking.com ડિજિટલ સુરક્ષાના નિયમોનું કેટલું યોગ્ય પાલન કરે છે અને ગ્રાહકોના રક્ષણ માટે કયા નવા પગલાં લેવામાં આવશે.