સત્ય. સાહસ. સંકલ્પ.

‘ચંદ્ર પર પહોંચ્યા પણ જ્ઞાતિવાદ કાયમ’: હાથથી ગટર સફાઈ અંગે હાઈકોર્ટની ટિપ્પણી, સરકારને ₹30 લાખ વળતર આપવાનો આદેશ

‘ચંદ્ર પર પહોંચ્યા પણ જ્ઞાતિવાદ કાયમ’: હાથથી ગટર સફાઈ અંગે હાઈકોર્ટની ટિપ્પણી, સરકારને ₹30 લાખ વળતર આપવાનો આદેશ

બોમ્બે હાઈકોર્ટે હાથથી ગટર સફાઈ (મેન્યુઅલ સ્કેવેન્જિંગ)ની કુરિવાજ પર સખત ટિપ્પણી કરતાં કહ્યું છે કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પણ સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા આજેય કાયમ છે, જે લોકોને માનવ ગરિમા વિરુદ્ધનું કામ કરવા મજબૂર કરે છે.

ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને ન્યાયમૂર્તિ મંજૂષા દેશપાંડેની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારની તે નીતિ રદ કરી છે, જેમાં જોખમી સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા કામદારોના પરિવારજનોને વળતર ચૂકવવાની જવાબદારી ખાનગી સોસાયટીઓ કે માલિકો પર નાખવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ નીતિ સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.

કોર્ટે મહારાષ્ટ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પીડિત પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. ત્યારબાદ જો સરકાર ઈચ્છે તો તે રકમ સંબંધિત ખાનગી સંસ્થાઓ પાસેથી વસૂલ કરી શકે છે.

કોર્ટે સરકારને આગામી છ મહિનામાં ‘મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ 2013’ હેઠળ આવતી જોખમી સફાઈમાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓની ઓળખ કરવાનો આદેશ આપ્યો છે. ઓળખ થયા બાદ દરેક મૃતકના આશ્રિતોને ₹30 લાખનું વળતર ચૂકવવું પડશે.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે 2013નો કાયદો સરકારી કે ખાનગી માલિક વચ્ચે સફાઈ કામદારોના સંદર્ભમાં કોઈ ભેદભાવ કરતો નથી. આ કાયદા હેઠળ જોખમી સફાઈ પર પ્રતિબંધ છે અને ઉલ્લંઘન બદલ જવાબદારી નક્કી કરવાની છે.