મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને રાજ્ય સરકારને કચરાના મુદ્દે આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે બ્રિટિશ રોયલ કપલ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિનની મુલાકાત વખતે મુંબઈને ફક્ત બે દિવસ માટે ચમકાવવામાં આવ્યું, પરંતુ સામાન્ય નાગરિકો માટે કાયમી સ્વચ્છતા જાળવવામાં આવી નથી.
જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોખલેની બેન્ચે કાંજુરમાર્ગ લેન્ડફિલ સાઇટ અને શહેરના રસ્તાઓ પરના કચરા અંગેની અરજીની સુનાવણી કરતાં જણાવ્યું કે, "જ્યારે મહેમાનો આવવાના હતા ત્યારે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારને રંગરોગાન કરીને અને પાણીથી રસ્તાઓ ધોઈને ચમકાવી દેવામાં આવ્યા હતા. જો સરકાર અને BMC ઈચ્છે તો વીજળીની ઝડપે કામ કરી શકે છે. તો શું તમે ફક્ત VVIP મહેમાનો આવે ત્યારે જ જાગશો? બે દિવસના અસ્થાયી દેખાડાને બદલે સામાન્ય નાગરિકો માટે દરેક વોર્ડમાં કાયમી સ્વચ્છતા રાખો."
મંગળવારે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લેનારા ન્યાયાધીશોએ પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોઈ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ મૂકી શકાય નહીં અને શું માથેરાન તથા મહાબળેશ્વર જેવા હિલ સ્ટેશનો પર પ્લાસ્ટિક પ્રતિબંધિત છે કે કેમ.
હાઈકોર્ટે કાંજુરમાર્ગ સાઇટ પરથી ફેલાતી દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યા અંગે મોનિટરિંગ કમિટી દ્વારા આંતરિક ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી 7 ડિસેમ્બર 2026 સુધીમાં તેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.