સત્ય. સાહસ. સંકલ્પ.

ગણેશોત્સવમાં ડીજે-લાઉડ સ્પીકર પર બોમ્બે હાઈકોર્ટ સખત, સરકાર પાસે જવાબ માંગ્યો

ગણેશોત્સવમાં ડીજે-લાઉડ સ્પીકર પર બોમ્બે હાઈકોર્ટ સખત, સરકાર પાસે જવાબ માંગ્યો

ગણેશોત્સવ દરમિયાન મોટા અવાજે વાગતા ડીજે, લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમથી થતા ધ્વનિ પ્રદૂષણ અંગે બોમ્બે હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે. કોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા પગલાં અને નિયમોના પાલનની માહિતી તાત્કાલિક આપવા જણાવ્યું છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોર્ટ કોઈ પણ ધર્મ કે તહેવારની વિરુદ્ધ નથી. લોકોને તહેવાર ઉજવવાનો અને ધાર્મિક કાર્યક્રમો કરવાનો અધિકાર છે, પરંતુ તેના કારણે બીજા નાગરિકોને વધુ પડતો અવાજ સહન કરવા મજબૂર કરી શકાય નહીં. વધુ પડતો અવાજ અને કાયદાનો ભંગ સ્વીકારવામાં નહીં આવે, એમ કોર્ટે કહ્યું.

કોર્ટે રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓ પાસેથી ધ્વનિની નક્કી કરેલી ડેસિબલ સીમા, લાઉડ સ્પીકરના ઉપયોગની સમયમર્યાદા અને નિયમોનો ભંગ કરતા ડીજે તથા સાઉન્ડ સિસ્ટમ સામે લેવાયેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો છે. નિયમોનું પાલન ફક્ત કાગળ પર નહીં, પણ જમીન પર ખરેખર થાય તેવો આગ્રહ કોર્ટે રાખ્યો છે.

સુનાવણીમાં કોર્ટે અડધી રાત સુધી લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમને આપવામાં આવતી પરવાનગી અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. સામાન્ય નિયમ મુજબ રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે, તો પછી વિશેષ પરવાનગી કયા આધારે અને કોની મંજૂરીથી આપવામાં આવે છે તેની સ્પષ્ટતા કોર્ટે માંગી છે. ખાસ પ્રસંગો માટે આપવામાં આવતી સમયની છૂટછાટ પણ નક્કી કરેલી ધ્વનિ સીમા અને અન્ય કાયદાકીય શરતોને આધીન જ હોવી જોઈએ, એમ કોર્ટે જણાવ્યું.

હાલ સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગણેશોત્સવના મોટા જુલૂસ અને વિસર્જન કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ સંજોગોમાં કોર્ટે આ મામલે ધ્યાન આપ્યું છે. હવે રાજ્ય સરકાર અને તંત્રને કોર્ટને જણાવવું પડશે કે વધુ પડતા ઘોંઘાટ સામે તાત્કાલિક કાર્યવાહી અને નક્કી કરેલી ડેસિબલ સીમાનું પાલન કરાવવા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે.