સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈ હાઈકોર્ટનો BMCને પ્રશ્ન: VIP માટે રસ્તા ચમકાવો, સામાન્ય લોકો માટે કેમ નહીં?

મુંબઈ હાઈકોર્ટનો BMCને પ્રશ્ન: VIP માટે રસ્તા ચમકાવો, સામાન્ય લોકો માટે કેમ નહીં?

મુંબઈ હાઈકોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, વીવીઆઈપી મુલાકાત વખતે રસ્તાઓને ધોઈને ચમકાવવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકો માટે રસ્તાઓ પર કચરાના ઢગલા પડ્યા રહે છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ ટીકા કરી હતી.

કોર્ટે ખાસ કરીને દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તાજેતરમાં કેટલાક વીવીઆઈપી મહેમાનોના આગમન પહેલાં રસ્તાઓને પાણીથી ધોઈને સાફ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આવી સ્વચ્છતા ફક્ત બે દિવસ માટે નહીં, પરંતુ કાયમી અને દરેક જગ્યાએ હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટન હાલ મુંબઈની મુલાકાતે હતા અને તેઓ બેલાર્ડ એસ્ટેટના રસ્તા પર ક્રિકેટર સચિન તેંડુલકર સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. હાઈકોર્ટે આ ઘટનાનો સંદર્ભ લીધો હતો, જોકે પ્રિન્સ વિલિયમનું નામ સીધું લીધું ન હતું.

શહેરમાં રસ્તાઓની સ્થિતિ અને કચરાના ઢગલા અંગેની એક અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે, “બેલાર્ડ એસ્ટેટમાં જુઓ, તમે રસ્તાઓને પાણીથી ધોઈ નાખ્યા છે કારણ કે ખાસ મહેમાનો ત્યાં આવવાના હતા. પરંતુ સામાન્ય મુંબઈકરને આવા ચોખ્ખા રસ્તા કેમ મળતા નથી? જાહેર માર્ગો પર કચરાના મોટા ઢગલા પડ્યા રહે છે. આવી બાબતમાં પણ ઉચ્ચ અદાલતે હસ્તક્ષેપ કરવો પડે તે ખેદજનક છે.”

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે, જો BMC ઈચ્છે તો ઉત્તમ કામગીરી કરી શકે છે, જે વીવીઆઈપી મુલાકાતના ઉદાહરણ પરથી દેખાય છે. જ્યારે મહાનુભાવો આવતા હોય ત્યારે રસ્તાઓ ચમકાવવામાં આવે છે, તો પછી શહેરમાં કાયમી રહેતા લોકો માટે આવું કેમ કરવામાં આવતું નથી? ફક્ત બે દિવસ માટે કામચલાઉ સ્વચ્છતાનું ચિત્ર ઊભું કરવાને બદલે BMCએ કાયમી ધોરણે આવી સ્વચ્છતા કેમ જાળવી રાખવી જોઈએ નહીં? કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, આવી સ્વચ્છતા ફક્ત મહાનુભાવો આવે ત્યારે જ નહીં, પરંતુ દરેક જગ્યાએ અને હંમેશા હોવી જોઈએ.

અદાલતે મહારાષ્ટ્ર સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાહેરમાં કચરો ફેંકવાના દૂષણ સામે જનજાગૃતિ કેળવવાની સલાહ આપી હતી અને પ્લાસ્ટિકની થેલીઓ પરના પ્રતિબંધનો કડક અમલ કરાવવો જોઈએ તેમ જણાવ્યું હતું.

કાંજુરમાર્ગમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠલવાતા કચરાથી સર્જાતાં વાયુ પ્રદૂષણ અને ઝેરી વાયુઓના ઉત્સર્જન અંગેની એક અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું કે, રસ્તાઓ પર પ્લાસ્ટિકની થેલીઓ કેટલી મોટી સંખ્યામાં જોવા મળે છે તે તપાસો. દર વખતે ચોમાસામાં દરિયો ટનબંધ પ્લાસ્ટિક પાછું ફેંકી દે છે. અદાલતે આ બાબતે વધુ સુનાવણી આગામી 7 ડિસેમ્બર સુધી મુલત્વી રાખી હતી.