મુંબઈના જુહુ સ્થિત નૉર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં મહાનવમીના અવસરે બોલિવૂડના અનેક સિતારાઓ ઉમટી પડ્યા હતા. આલિયા ભટ્ટ, નીતુ ચંદ્રા, રૂપાલી ગાંગુલી, ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી સહિતની હસ્તીઓએ મા દુર્ગાનાં દર્શન કર્યાં હતાં. કાજોલ તેની દીકરી ન્યાસા દેવગન સાથે પંડાલમાં જોવા મળી હતી.
કાજોલે પીળા રંગની સુંદર સાડી પહેરી હતી, જ્યારે આલિયા ભટ્ટ ગુલાબી સાડી અને સ્કાય-બ્લૂ બ્લાઉઝમાં જોવા મળી હતી. ન્યાસા દેવગને તેની માતા કાજોલ સાથે ટ્વિનિંગ કર્યું હતું. ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ પણ મા દુર્ગાનાં દર્શન કર્યાં હતાં. નીતુ ચંદ્રા અને 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી પણ પંડાલમાં પહોંચ્યાં હતાં. કાજોલની નાની બહેન તનીષા મુખર્જી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી.
નૉર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા મુંબઈની સૌથી ચર્ચિત દુર્ગા પૂજા ઉજવણીઓમાંની એક છે, જેનું આયોજન મુખર્જી પરિવાર કરે છે. અભિનેત્રી કાજોલ દર વર્ષે આ પૂજામાં સામેલ થાય છે. તેમનાં માતા અને દિગ્ગજ અભિનેત્રી તનુજા, બહેન તનીષા મુખર્જી તથા પરિવારના અન્ય સભ્યો પણ ઉત્સવમાં ભાગ લે છે. કાજોલનાં બાળકો ન્યાસા અને યુગ દેવગન પણ આ પૂજા સાથે જોડાયેલાં રહ્યાં છે.
આ વર્ષે નૉર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા તેના 80મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ પ્રસંગે પંડાલની થીમ કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરથી પ્રેરિત હોવાનું જણાવાયું છે. દર વર્ષની જેમ આ વખતે પણ પૂજામાં પરંપરાગત રીત-રિવાજો, ભવ્ય સજાવટ અને સિતારાઓની હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.