મુંબઈમાં ઈન્કમ ટેક્સ વિભાગે બોલિવૂડ સાથે જોડાયેલા 12 ઠેકાણે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, નિર્માતા વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝ સાથે જોડાયેલા સ્થળોનો સમાવેશ થાય છે.
ઈન્કમ ટેક્સ વિભાગને માહિતી મળી હતી કે ફિલ્મ શૂટિંગ, વિદેશી ડિસ્ટ્રિબ્યુશન અને પ્રોડક્શનના નામે વિદેશમાં મોટી રકમ મોકલવામાં આવી રહી છે. આ માહિતીના આધારે મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગની ટીમોએ અલગ-અલગ ઓફિસો અને સંબંધિત સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા દસ્તાવેજો અને અન્ય માહિતીની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઓપરેશનમાં જાણીતા નિર્માતા વાશુ ભગનાનીનું નામ પણ સામે આવ્યું છે. તેમણે 'પૂજા એન્ટરટેઇનમેન્ટ' દ્વારા બોલિવૂડની ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગ પેનોરમા સ્ટુડિયોઝ સાથે જોડાયેલા સ્થળોએ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યો છે. પેનોરમા સ્ટુડિયોઝે લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ફિલ્મ 'દૃશ્યમ'નું નિર્માણ કર્યું છે.
વાશુ ભગનાની અભિનેત્રી રકુલ પ્રીત સિંહના સસરા છે. રકુલે 2024માં તેમના પુત્ર, ફિલ્મમેકર અને અભિનેતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ITC ગ્રાન્ડ ગોવા રિસોર્ટમાં થયા હતા.
રકુલ પ્રીત સિંહે બોલિવૂડના ઘણા જાણીતા અભિનેતાઓ સાથે કામ કર્યું છે. તેમણે 'દે દે પ્યાર દે' ફિલ્મમાં અભિનેતા અજય દેવગન સાથે કામ કર્યું હતું. 2019માં રિલીસ થયેલી આ ફિલ્મ બાદ બંને 'થેન્ક ગોડ'માં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ રકુલ પ્રીત અને અજય દેવગને 'દે દે પ્યાર દે 2'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રકુલની આગામી ફિલ્મોમાં નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર અભિનીત 'રામાયણ'નો સમાવેશ થાય છે. તેમાં તેઓ શૂર્પણખાના પાત્રમાં જોવા મળશે.