મુંબઈમાં ગણેશ ચતુર્થીના પર્વ પર બોલિવૂડ કલાકારોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શિલ્પા શેટ્ટી, સંજય દત્ત, ગોવિંદા અને અજય દેવગણ સહિત અનેક સિતારાઓએ બાપ્પાના દર્શન કર્યા અને પોતપોતાની રીતે ઉજવણી કરી.
શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું. આ દરમિયાન તે ઢોલના તાલે થિરકતી જોવા મળી અને તેણે ત્યાં હાજર ફોટોગ્રાફરો સાથે પણ ડાન્સ કર્યો. પૂજન સમયે શિલ્પા અને તેની દીકરી સમિષા મેચિંગ પીળા અને ગુલાબી રંગના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યાં. મા-દીકરીનું આ ટ્વિનિંગ ચર્ચામાં રહ્યું. પૂજા દરમિયાન શિલ્પાના પતિ રાજ કુંદ્રા અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા.
બીજી તરફ, સંજય દત્ત સમાજસેવક રાહુલ કનલના ઘરે ગણપતિ દર્શન માટે પહોંચ્યો હતો. ત્યાં જતી વખતે તેની નજર એક ઘાયલ પાપારાઝી પર પડી. બાઇક અકસ્માતને કારણે ફોટોગ્રાફરના પગમાં ઇજા થઈ હતી. સંજય દત્તે તરત જ પોતાનો કાફલો રોકાવ્યો અને તેના ખબરઅંતર પૂછ્યા. જ્યારે ફોટોગ્રાફરે જણાવ્યું કે તેનો મેનેજર ફોન નથી ઉપાડી રહ્યો, ત્યારે સંજય દત્તે ખાતરી આપી કે તે પોતે આ મામલો જોશે. ઉલ્લેખનીય છે કે 2018 અને 2019માં પણ સંજય દત્ત પાપારાઝીની મદદ કરતો જોવા મળ્યો હતો.
અમેરિકાનો પ્રવાસ પૂરો કરીને મુંબઈ પાછા ફરેલા એક્ટર ગોવિંદાએ સીધા બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યો. તેણે પોતાના બાળકો ટીના અને યશવર્ધન સાથે આરતી કરી અને ભગવાન ગણેશ પાસે તેમના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી. ગોવિંદાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં કહ્યું કે, તેમના ઘરમાં ગણપતિ સ્થાપિત કરવાની પરંપરા તેમના માતાના સમયથી ચાલી આવે છે. તેમણે કહ્યું, 'હું પ્રાર્થના કરું છું કે બાપ્પા યશને સફળતા અને સમૃદ્ધિ આપે, જેથી લોકો કહે કે તે ગોવિંદા કરતાં પણ સારો છે. જ્યારે દીકરી ટીના માટે એક સારા ઘર અને પરિવારની કામના કરું છું.'
ગોવિંદાની ગેરહાજરીમાં તેમની પત્ની સુનીતા આહુજાએ બાળકો સાથે ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. સુનીતાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે બાપ્પાના આશીર્વાદથી તેમને ઘણી સફળતા અને નામ મળ્યું છે, તેથી તેમણે પોતે પોતાના હાથે ગણપતિ પ્રતિમા ઘરે લાવવાનો નિર્ણય કર્યો.
અજય દેવગણ પોતાના દીકરા સાથે 'લાલબાગ ચા રાજા'ના દર્શન કરવા પહોંચ્યો. આ દરમિયાન તે પોતાના દીકરાને ભીડથી બચાવતો જોવા મળ્યો.