સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીના ફટાકડામાં માધુરીના વાળ સળગ્યા, અમિતાભના હાથમાં બોમ્બ ફૂટ્યો; સેલિબ્રિટીઝના યાદગાર કિસ્સા

દિવાળીના ફટાકડામાં માધુરીના વાળ સળગ્યા, અમિતાભના હાથમાં બોમ્બ ફૂટ્યો; સેલિબ્રિટીઝના યાદગાર કિસ્સા

દિવાળીના તહેવારે ફટાકડા અને દીવડાઓની ઉજવણી દરેકના જીવનમાં ખાસ હોય છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ પણ પોતાના અનુભવો શેર કર્યા છે, જેમાં કેટલાક દુઃખદ અકસ્માત અને યાદગાર ક્ષણોનો સમાવેશ થાય છે.

અમિતાભ બચ્ચનના જણાવ્યા અનુસાર, દિવાળીના દિવસે ફટાકડા ફોડતી વખતે તેમના હાથમાં બોમ્બ ફૂટ્યો હતો, જેમાં તેમનો જમણો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. અંગૂઠા અને આંગળીઓની હિલચાલ સામાન્ય થવામાં બે મહિનાથી વધુ સમય લાગ્યો હતો. શૂટિંગ અટકે નહીં તે માટે તેમણે ફિલ્મ 'ઇન્કલાબ'માં હાથ પર રૂમાલ બાંધ્યો અને 'શરાબી'માં ઈજાગ્રસ્ત હાથ પેન્ટના ખિસ્સામાં રાખીને દૃશ્યો શૂટ કર્યા.

એક્ટ્રેસ માધુરી દીક્ષિતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે બાળપણની એક દિવાળીએ તેમની સાથે દુઃખદાયક અકસ્માત થયો હતો. તેઓ પોતાની સહેલીઓ સાથે ફટાકડા ફોડી રહ્યાં હતાં, ત્યારે એક છોકરાએ તેમના હાથમાં પકડેલો ફટાકડો સળગાવી દીધો. ફટાકડો ઝડપથી ફૂટ્યો અને તેના તણખાં વાળ સુધી ઉડ્યાં. સદનસીબે તેમનો ચહેરો બચી ગયો, પરંતુ ઘણા વાળ બળી જવાને કારણે તેમને થોડા સમય માટે ટાલ સાથે રહેવું પડ્યું હતું. આ અકસ્માત બાદથી માધુરી દિવાળીએ હંમેશાં ફટાકડાઓથી અંતર જાળવી રાખે છે.

2019માં અમિતાભ બચ્ચનના ઘરે ‘જલસા’માં આયોજિત દિવાળીની પાર્ટી દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મીડિયા અહેવાલો મુજબ, પાર્ટીમાં ઐશ્વર્યા રાયની મેનેજર અર્ચના સદાનંદનો લહેંગો એક દીવાના સંપર્કમાં આવતાં સળગવા લાગ્યો. ત્યાં હાજર એક્ટર શાહરુખ ખાને તરત જ પોતાની જેકેટ ઉતારી અને તેની મદદથી આગ ઠારી દીધી. આ દરમિયાન શાહરુખ ખાનનો હાથ પણ સહેજ દાઝી ગયો હતો, પરંતુ તેની સમજદારીથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ પોતાના એક ઇન્ટરવ્યૂમાં દિવાળી સાથે જોડાયેલી એક ભાવનાત્મક વાત શેર કરી હતી. જ્યારે પ્રિયંકાના પિતા ડૉ. અશોક ચોપરા કેન્સરની સારવાર માટે અમેરિકાની હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે બહાર લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. પ્રિયંકા હોસ્પિટલના રૂમમાં બેસીને પોતાના પિતાના સફળ ઓપરેશન માટે પ્રાર્થના કરી રહી હતી. ઓપરેશન સફળ થયા બાદ જ્યારે તેઓ ઘરે પરત ફર્યા, ત્યારે પરિવારે પિતાની સલામતીની ખુશીને દિવાળીની જેમ ઉજવી. પ્રિયંકાએ જણાવ્યું કે તે દિવસે તેમને અહેસાસ થયો કે પોતાના લોકોનું સારું સ્વાસ્થ્ય જ સૌથી મોટી દિવાળી છે.

હવે, જુઓ જ્યારે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી દિવાળીની ઉજવણી કરવા માટે દિગ્ગજ એક્ટર રાજ કપૂરના આર.કે. સ્ટુડિયોમાં ભેગી થતી હતી. દરેક નાનો-મોટો સેલિબ્રિટી તેમની પાર્ટીમાં હાજરી આપતો હતો અને કેટલાક ખાસ લોકોને દિવાળીના અવસરે અમૂલ્ય ભેટો મળતી હતી.