મુંબઈ: ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ટી-સિરીઝના કાર્યાલયમાં યોજાયેલી સત્યનારાયણ પૂજામાં બોલિવૂડના અનેક કલાકારોએ હાજરી આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગીત કંપની ટી-સિરીઝના ઓફિસમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
આ ખાસ પ્રસંગે વરુણ ધવન, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, તૃપ્તિ ડિમરી અને આયુષ્માન ખુરાના સહિતના કલાકારોએ બાપ્પાનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તમામ સિતારાઓ પરંપરાગત ભારતીય પરિધાનોમાં બાપ્પાની સામે માથું ટેકવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જૅકી શ્રોફ ત્યાં હાજર ફોટોગ્રાફરોને પ્રસાદ વહેંચતા જોવા મળ્યા હતા.
ટાઇગર શ્રોફે ગણપતિજીને ફૂલ અર્પણ કર્યા હતા. કાર્તિક આર્યન ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે જોવા મળ્યો હતો. વરુણ ધવને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આયુષ્માન ખુરાના પત્ની સાથે પહોંચ્યો હતો. રકુલ પ્રીત પરંપરાગત વસ્ત્રોમાં પહોંચી હતી, જ્યારે તૃપ્તિ ડિમરી સાદા અંદાજમાં જોવા મળી હતી.
એક્ટ્રેસ સની લિયોની પતિ ડેનિયલ વેબર સાથે ટી-સિરીઝની ઓફિસે પહોંચી હતી. આ દરમિયાન સની પરંપરાગત સાડીમાં જોવા મળી હતી, જ્યારે ડેનિયલ કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો. તે ઉપરાંત અભિનેત્રીઓ તૃપ્તિ ડિમરી, નેહા શર્મા, રકુલ પ્રીત સિંહ અને પલક તિવારી પણ સાદગીભર્યા પરંપરાગત વસ્ત્રોમાં બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચી હતી.
ફિલ્મ ‘હનુમાન અંશ’માં નીમ કરૌલી બાબાની મુખ્ય ભૂમિકા ભજવનારા એક્ટર શોભિનવ સત્ય પણ ખૂબ જ સાદા અંદાજમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે સાદગીભર્યો કુર્તો પહેર્યો હતો. તેમણે હાથ જોડીને ત્યાં હાજર લોકોનો આભાર માન્યો હતો.
ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુંબઈ સ્થિત પોતાની ઓફિસમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. ઉત્સવ દરમિયાન ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિર્માતા, ડિરેક્ટર, સિંગર અને એક્ટર્સ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મ ‘લવ એન્ડ વૉર’માં પોતાનો લુક રિલીઝ થયા બાદ સ્પોટ થયો હતો. તે મુંબઈમાં પોતાના લાઇફસ્ટાઇલ બ્રાન્ડ આર્ક્સના નવા સ્ટોરના લોન્ચ ઇવેન્ટ દરમિયાન સાદા લુકમાં નજરે પડ્યો હતો. આ દરમિયાન તે સ્લીવ-લેસ સફેદ ટી-શર્ટ, બ્લેક જોગર્સ અને કાળા સનગ્લાસ પહેરેલા જોવા મળ્યો હતો. ત્યાં હાજર પાપારાઝીએ તેને પ્રશ્ન કર્યો કે રણબીર, તમને ગોળી ક્યાં વાગી? તેના જવાબમાં રણબીરે પોતાનો હાથ બતાવ્યો હતો. હકીકતમાં, ‘લવ એન્ડ વૉર’માં તેના પ્રથમ લુકમાં તેની શર્ટ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. ત્યારબાદ પાપારાઝીએ તેને આ પ્રશ્ન કર્યો હતો.