દક્ષિણ અમેરિકાના બોલિવિયામાં 4 સપ્ટેમ્બરે એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાજધાની લા પાઝથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા વિયાચા વિસ્તારમાં આવેલા લશ્કરી મથકમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટ બપોરે આશરે 2:30 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટ લશ્કરી મથકના તે ભાગમાં થયો, જ્યાં સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર કાર્યક્રમો અને ઉત્સવોમાં વાપરવા માટે રાખવામાં આવેલો ફટાકડા અને આતશબાજીની સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
આ કોઈ યુદ્ધના હથિયારો કે દારૂગોળો નહોતા, પરંતુ સત્તાવાર રીતે ઉપયોગમાં લેવાતા આતશબાજીના ફટાકડા જ હતા. જોકે, આ ફટાકડાના સંગ્રહમાં શોર્ટ સર્કિટ, ગરમી કે અન્ય કોઈ ખામીને કારણે વિસ્ફોટ થયો કે કેમ તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. આ અંગે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક આરોગ્ય અધિકારી રીટાના જણાવ્યા મુજબ, 10થી 15 લોકોના મોતની આશંકા છે અને 62 જેટલા લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને લા પાઝની મોટી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે આસપાસના 50થી વધુ મકાનોના કાચ તૂટી ગયા હતા. ઘટના બાદ તરત જ એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ શરૂ થઈ ગયું હતું.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ઘટનાસ્થળે હજુ ગરમી અને આતશબાજીના અવશેષો છે, જેના કારણે બીજો વિસ્ફોટ થવાનું જોખમ છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.