સુરતમાં ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી યોજાયેલી ‘વંદે આયુકોન-3’ કોન્ફરન્સમાં એક મોટો વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક એવા વ્યક્તિને ‘આયુર્વેદ સેવા રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેને 2024માં નવસારી SOGએ બોગસ ડૉક્ટર તરીકે ધરપકડ કરી હતી. આ ઘટનાથી પ્રામાણિક તબીબોમાં રોષ ફેલાયો છે.
ઘટનાને ગંભીરતાથી લેતાં 57થી વધુ આયુર્વેદિક તબીબોએ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM), નવી દિલ્હી ખાતે લેખિત ફરિયાદ નોંધાવી છે અને ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી છે. વિવાદ વકરતાં આયોજકોએ એવોર્ડ પાછો ખેંચી લીધો છે.
આ મામલે ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલના પ્રમુખ ડૉ. જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, “કાર્યક્રમમાં 1200થી વધુ ડૉક્ટરો હાજર હતા, જેમાંથી 15 ડૉક્ટરોને સેવાકીય કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. બધાનું અલગ-અલગ વેરિફિકેશન કરવું શક્ય ન હતું. કોન્ફરન્સ BAMS ડૉક્ટરો માટે હોવાથી તેમને માન્ય ડૉક્ટર માની લેવાયા હતા.”
બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ સુરતના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું કે, “આ સંયુક્ત કાર્યક્રમ હતો. ડૉ. જીગ્નેશના આગ્રહથી ચેમ્બરે સહકાર આપ્યો હતો. બોગસ ડિગ્રી અને વીડિયોની જાણ થતાં જ તાત્કાલિક એક્શન પ્લાન બનાવી ડૉ. જીગ્નેશ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને એવોર્ડ પાછો લેવાયો હતો.”
ઉલ્લેખનીય છે કે, આરોપી નટવરગિરિ ગોસ્વામી નવસારી તાલુકાના સાતેમ ગામે ‘શિવ આયુર્વેદિક હોસ્પિટલ’ના નામે આયુર્વેદિક અને પંચકર્મની આડમાં છ બેડની એલોપેથિક હોસ્પિટલ ચલાવતો હતો. 2024માં SOGએ દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.
હાલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગ અને પોલીસના સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. ત્યારે પ્રતિષ્ઠિત મંચ પરથી જેલ ભોગવી ચૂકેલા નકલી ડૉક્ટરનું સન્માન સમગ્ર તંત્ર પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. એવોર્ડ પાછો લેવાયો હોવા છતાં આયોજકોની જવાબદારી અંગે પણ સવાલો ઉઠ્યા છે. હવે જોવાનું એ છે કે આ બેદરકારી સામે કાયદેસર પગલાં લેવાય છે કે નહીં.