સત્ય. સાહસ. સંકલ્પ.

બોઈંગ 737 મેક્સમાં સોફ્ટવેર ખામી: લેન્ડિંગ વખતે ગાઇડન્સ સિસ્ટમ બંધ થઈ શકે છે

બોઈંગ 737 મેક્સમાં સોફ્ટવેર ખામી: લેન્ડિંગ વખતે ગાઇડન્સ સિસ્ટમ બંધ થઈ શકે છે

નવી દિલ્હી: વિમાન નિર્માતા કંપની બોઈંગે તેના 737 મેક્સ વિમાનોમાં એક ગંભીર સોફ્ટવેર ખામી શોધી કાઢી છે. આ ખામીને કારણે લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ જાય અને ફરી પ્રયાસ કરવામાં આવે ત્યારે ઓટોમેટેડ ફ્લાઇટ ગાઇડન્સ સિસ્ટમ અચાનક બંધ થઈ શકે છે.

બોઈંગ આ ટેકનિકલ ખામીના કાયમી ઉકેલ માટે સોફ્ટવેર અપડેટ પર કામ કરી રહ્યું છે. કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ગયા મહિને જ તમામ 737 ઓપરેટરોને આ સમસ્યા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી સોફ્ટવેર અપડેટ ન મળે ત્યાં સુધી પાયલટોને સલામત લેન્ડિંગ માટે નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસરવા અને મિસ્ડ એપ્રોચ પછી સિસ્ટમને તરત રીસેટ કરવા સાવચેતીના પગલારૂપ એડ્વાઇઝરી જારી કરવામાં આવી છે.

ભારતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને આકાસા એર મળીને આશરે 96 બોઈંગ 737 મેક્સ વિમાનોનું સંચાલન કરે છે. જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે 53 અને આકાસા પાસે 43 વિમાનો છે. આકાસા એરે જણાવ્યું કે તેઓ બોઈંગ સાથે સંકલનમાં છે અને તેમની તમામ ફ્લાઇટ્સ હાલ નિયમો અનુસાર સુરક્ષિત રીતે કાર્યરત છે.

વિશ્વભરમાં બોઈંગે 2,400થી વધુ 737 મેક્સ વિમાનો વેચ્યા છે. આ દરમિયાન યુરોપિયન કંપની એરબસના A321 નીઓ વિમાનોના ફ્યુઝલેજ કોટિંગમાં ગુણવત્તા સંબંધિત ખામી સામે આવી છે, જેમાંથી ઇન્ડિગોના લગભગ એક ડઝન વિમાનો પ્રભાવિત થયા છે. ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા પાસે આવા આશરે 190 વિમાનો છે.