બોડેલી નજીક નર્મદા મુખ્ય કેનાલ પરના રેલવે બ્રિજ પર માતા અને પુત્રનાં ટ્રેનની અડફેટે મોત થયાં છે. ઘટના દરમિયાન પુત્રનો પગ રેલવે પાટામાં ફસાઈ ગયો હતો અને તેને બચાવવા માટે માતા દોડી ગયાં હતાં, પરંતુ એ જ સમયે ટ્રેન આવી પહોંચતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
મળતી વિગતો પ્રમાણે, જૂની બોડેલીમાં રહેતાં ગંજીબેન ગણપતભાઈ બારીયા (ઉંમર 65 વર્ષ) અને તેમના પુત્ર પરેશભાઈ ગણપતભાઈ બારીયા (ઉંમર 32 વર્ષ) ખેતર પાસે આવેલી દુકાને વહુને ટિફિન આપવા જઈ રહ્યાં હતાં. તેઓ જૂની બોડેલીથી ઝાંખરપુરા તરફ જતાં બોડેલી નર્મદા મુખ્ય કેનાલ પરના રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં.
દરમિયાન અચાનક ટ્રેન આવી પહોંચી હતી અને પરેશભાઈનો પગ રેલવે પાટામાં ફસાઈ ગયો હતો. પુત્રને મુશ્કેલીમાં જોઈને માતા ગંજીબેન તેને બચાવવા માટે દોડી ગયાં હતાં. જોકે, તેઓ પુત્રને બચાવી શકે એ પહેલાં જ ટ્રેન બંનેની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ગંજીબેનનો મૃતદેહ અડધો કેનાલમાં પડી ગયો હતો.
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. રેલવે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પંચનામું સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. માતા-પુત્રનાં મોત અંગે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.