સત્ય. સાહસ. સંકલ્પ.

BMWનું સેલ્ફ-બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં પેટન્ટ, પગ નીચે રાખવાની જરૂર નહીં

BMWનું સેલ્ફ-બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં પેટન્ટ, પગ નીચે રાખવાની જરૂર નહીં

ભારતમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની માંગ ઝડપથી વધી રહી છે. આ વચ્ચે જર્મન વાહન નિર્માતા BMW Motorradએ ભારતમાં તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિઝાઇન પેટન્ટ કરાવી છે. આ કોન્સેપ્ટ સ્કૂટરનું નામ BMW Vision CE છે.

આ સ્કૂટરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સેલ્ફ-બેલેન્સિંગ ટેક્નોલોજી છે. એટલે કે સ્કૂટરને ઊભું રાખવા માટે રાઇડરને પગ જમીન પર ટેકવવાની જરૂર પડશે નહીં.

સામાન્ય રીતે ટ્રાફિક સિગ્નલ પર કે ભીડવાળા વિસ્તારમાં સ્કૂટર રોકતી વખતે સંતુલન જાળવવા પગ નીચે રાખવા પડે છે. BMW Vision CEમાં એડવાન્સ સેન્સર્સ અને ઇલેક્ટ્રિક એક્ટ્યુએટર્સનો ઉપયોગ કરાયો છે, જે સ્કૂટર પૂરી રીતે રોકાયા પછી પણ તેને સીધું ઊભું રાખે છે.

કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ચલાવવા માટે હેલ્મેટ, ગ્લોવ્ઝ કે ભારે રાઇડિંગ ગિયરની જરૂર નહીં પડે. સુરક્ષા માટે તેમાં રાઇડરને ચારે બાજુથી કવર કરતું પ્રોટેક્ટિવ કેજ અને ફોર-પોઇન્ટ સીટબેલ્ટ આપવામાં આવ્યા છે. જોકે ભારતના રસ્તાઓ પર હેલ્મેટ વગર આ સ્કૂટર ચલાવવાની મંજૂરી મળશે કે નહીં, તે ભારતીય ટ્રાફિક નિયમો અને સરકારી મંજૂરીઓ પર આધાર રાખે છે.

આ સ્કૂટર સ્ટેન્ડ વગર પણ બે પૈડાં પર સીધું ઊભું રહી શકે છે. તો પણ કંપનીએ તેમાં પારંપરિક સ્ટેન્ડ આપ્યું છે. કારણ કે લાંબા સમય માટે પાર્ક કરતી વખતે સેલ્ફ-બેલેન્સિંગ સિસ્ટમ આપોઆપ બંધ થઈ જાય છે, જેથી બેટરી નકામી વપરાય નહીં અને પાર્ટ્સ પર દબાણ ન પડે. સ્કૂટર ફરી ઓન કરતાં સિસ્ટમ ફરી સક્રિય થઈ જાય છે.

BMW Vision CE એવી રીતે તૈયાર થઈ રહ્યું છે કે ટૂ-વ્હીલરમાં પણ કાર જેવી સુરક્ષા અને આરામ મળે. તેમાં રિયર-ફેસિંગ રડાર અને ડ્રાઇવર-અસિસ્ટન્સ જેવા ઇલેક્ટ્રોનિક ફીચર્સ મળી શકે છે. રડાર પાછળથી આવતા વાહનો પર નજર રાખશે અને ટક્કરની શક્યતા હોય તો રાઇડરને પહેલેથી ચેતવશે. તેમાં બંને પૈડાં પર ડિસ્ક બ્રેક અને મિડ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટરની પણ ધારણા છે.

BMW Motorradે આ કોન્સેપ્ટ પહેલીવાર EICMA મોટર શોમાં વૈશ્વિક સ્તરે રજૂ કર્યો હતો. હવે ભારતમાં ડિઝાઇન પેટન્ટ થવાથી સ્પષ્ટ થાય છે કે કંપની ભારતીય બજારને ગંભીરતાથી જોઈ રહી છે.

જોકે ઓટો નિષ્ણાતો કહે છે કે માત્ર પેટન્ટ ફાઇલ થવાનો અર્થ એ નથી કે આ સ્કૂટર જલદી ભારતીય રસ્તાઓ પર દેખાશે. BMWએ અત્યાર સુધી ઉત્પાદન, અંતિમ સ્પેસિફિકેશન્સ કે ભારતમાં લોન્ચિંગની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ભવિષ્યમાં પ્રોડક્શન મોડેલ આવશે ત્યારે જ તેની વાસ્તવિક રેન્જ અને કિંમતની ખરી જાણ થશે.