બીએમડબલ્યુ મોટોરાડે ભારતીય બજારમાં પોતાની નવી એડવાન્ચર મોટરસાઇકલ BMW F 450 GS Sport સત્તાવાર રીતે લોન્ચ કરી છે. મિડ-વેટ એડવેન્ચર બાઇક સેગમેન્ટમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ આ બાઇક પ્રીમિયમ ફીચર્સ, સ્પોર્ટી ગ્રાફિક્સ અને એડવાન્સ્ડ સસ્પેન્શન સેટઅપ સાથે રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે આ બાઇક ઓફ-રોડિંગ અને હાઈવે ક્રૂઝિંગ બંને માટે યોગ્ય રહેશે.
બાઇકનો લુક કંપનીની મોટી GS સીરીઝની મોટરસાઇકલોથી પ્રેરિત છે. તેમાં આક્રમક ફ્રન્ટ બીક, ઊંચું વિન્ડસ્ક્રીન અને નવી સ્પોર્ટી કલર સ્કીમ જોવા મળે છે. ફ્રન્ટમાં ફૂલ એડજસ્ટેબલ USD ફોર્ક્સ અને રિયરમાં એડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સેટઅપ ખરાબ રસ્તાઓના ઝટકા સહન કરીને રાઇડરને સંતુલન અને આરામ આપે છે.
પાવર માટે બાઇકમાં 450ccનું નવું પેરલલ-ટ્વિન, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 48 BHP પાવર જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચ સાથે જોડાયેલું છે. કંપનીએ બાય-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટરનો વિકલ્પ પણ આપ્યો છે, જેથી ક્લચ દબાવ્યા વગર ગિયર શિફ્ટ કરી શકાય.
ટેકનોલોજીની દૃષ્ટિએ બાઇકમાં 6.5-ઇંચની TFT કલર ડિસ્પ્લે આપવામાં આવી છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને મ્યુઝિક કંટ્રોલને સપોર્ટ કરે છે. સલામતી અને રાઇડિંગ કંટ્રોલ માટે કોર્નરિંગ ABS, અનેક રાઇડિંગ મોડ્સ અને સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ આપવામાં આવ્યા છે. ઉપરાંત આખી બાઇકમાં LED લાઇટિંગ અને USB ચાર્જિંગ પોર્ટ પણ છે.
બીએમડબલ્યુએ આ બાઇક એવા રાઇડર્સ માટે તૈયાર કરી છે જેઓ 300-400cc સેગમેન્ટમાંથી અપગ્રેડ થઈને એડવાન્ચર મોટરસાઇકલનો અનુભવ મેળવવા માંગે છે. ભારતીય બજારમાં તેનો મુકાબલો KTM એડવેન્ચર 390, રોયલ એનફિલ્ડ હિમાલયન 450 અને અપ્રિલિયા તુઆરેગ જેવી બાઇક્સ સાથે થશે. કંપનીએ બાઇકની કિંમત વિશે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.