શું તમારું બ્લડ ગ્રુપ ફક્ત લોહીનો પ્રકાર બતાવે છે કે તેનાથી તમારો સ્વભાવ પણ ખબર પડે? જાપાનમાં વર્ષોથી 'કેત્સુકી ગાટા' નામની એક થિયરી ખૂબ લોકપ્રિય છે. આ થિયરીમાં A, B, AB અને O બ્લડ ગ્રુપના આધારે વ્યક્તિના સ્વભાવ અને વર્તન સમજવાનો પ્રયાસ થાય છે. જાપાની ભાષામાં 'કેત્સુકી' એટલે લોહી અને 'ગાટા' એટલે પ્રકાર. એટલે કે લોહીના પ્રકાર પરથી વ્યક્તિત્વ જાણવાની પદ્ધતિ.
આ થિયરી મુજબ દરેક બ્લડ ગ્રુપ સાથે જોડાયેલા લોકોમાં અમુક ખૂબીઓ અને ખામીઓ હોય છે. પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ ફક્ત એક મનોરંજન છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં બ્લડ ગ્રુપ અને વ્યક્તિત્વ વચ્ચે કોઈ મજબૂત સંબંધ સાબિત થયો નથી.
જાપાની થિયરીમાં O બ્લડ ગ્રુપવાળા લોકોને આત્મવિશ્વાસુ, મળતાવડા અને મહત્વાકાંક્ષી માનવામાં આવે છે. તેઓ સમાજમાં ભળી જવામાં માહેર હોય છે, નવા કામ શરૂ કરવામાં આગળ રહે છે અને તેમનામાં નેતૃત્વના ગુણ હોય છે. પોતાના નિર્ણય જાતે લેવાનું પસંદ કરે છે અને પડકારથી ડરતા નથી. સર્જનાત્મક પણ હોય છે. નકારાત્મક પાસું એ કે ક્યારેક અતિશય આત્મવિશ્વાસ, જિદ્દી વલણ કે પોતાની વાત સર્વોપરી રાખવાની આદત હોઈ શકે.
A બ્લડ ગ્રુપવાળા લોકોને શાંત, જવાબદાર અને વ્યવસ્થિત ગણવામાં આવે છે. તેઓ ઝીણવટથી કામ કરે છે, નાની-નાની વાતનું ધ્યાન રાખે છે, અધૂરું કામ છોડવાનું પસંદ કરતા નથી અને સમયપાલન તથા શિસ્તને મહત્વ આપે છે. પરંતુ દરેક બાબત પરફેક્ટ કરવાની ધૂનમાં તેઓ વધારે વિચારવા લાગે છે. આ થિયરી મુજબ તેઓ સંવેદનશીલ અને થોડા અંતર્મુખી હોય છે. પોતાની તકલીફો દરેકને નથી કહેતા, મનમાં જ રાખે છે.
B બ્લડ ગ્રુપવાળા લોકોને મુક્ત વિચારસરણીવાળા અને રચનાત્મક ગણવામાં આવે છે. પોતાના નિયમો પ્રમાણે જીવવું ગમે છે. કોઈ લક્ષ્ય પ્રત્યે ઉત્સાહી હોય તો પૂરી તાકાતથી કામ કરે છે. સ્વભાવ હળવો, મૈત્રીપૂર્ણ અને સકારાત્મક હોય છે. પરિસ્થિતિ મુજબ ઝડપથી ઢળી જાય છે અને બીજાને મદદ કરવા તૈયાર રહે છે. નબળા પાસા તરીકે ક્યારેક બેદરકારી, ભૂલી જવાની આદત કે ફક્ત પોતાને વધુ મહત્વ આપવાનું વલણ હોઈ શકે.
AB બ્લડ ગ્રુપને આ થિયરીમાં સૌથી અનોખું માનવામાં આવે છે. AB ગ્રુપવાળા લોકોમાં વિરોધાભાસી ગુણ એકસાથે હોઈ શકે છે. એક ક્ષણે ખૂબ મળતાવડા અને વાતોડિયા, તો બીજી ક્ષણે એકાંત પસંદ કરે. તેમને સમજદાર, ઊંડી સંવેદનશીલતાવાળા અને બદલાતા સંજોગોમાં ઢળી જનારા ગણવામાં આવે છે. પોતાની સ્વતંત્રતાને પ્રાથમિકતા આપે છે અને પરંપરાગત ઢાંચામાં બંધાવાને બદલે પોતાનો માર્ગ પસંદ કરે છે.
હવે સૌથી મહત્વનો સવાલ: શું ખરેખર બ્લડ ગ્રુપ પરથી વ્યક્તિત્વ જાણી શકાય? વિજ્ઞાન કહે છે ના. જાપાન અને પૂર્વ એશિયામાં આ માન્યતા સાંસ્કૃતિક રીતે લોકપ્રિય હોવા છતાં, આધુનિક વિજ્ઞાન તેને સમર્થન આપતું નથી. 2014માં જાપાન અને અમેરિકાના 10,000થી વધુ લોકોના ડેટા પર થયેલા એક મોટા અભ્યાસમાં બ્લડ ગ્રુપ અને વ્યક્તિત્વ વચ્ચે કોઈ નક્કર સંબંધ મળ્યો નથી. સંશોધકોએ વ્યક્તિત્વના 68 જુદા-જુદા પરિમાણો તપાસ્યા, પણ બ્લડ ગ્રુપ સાથે કોઈ અર્થપૂર્ણ સંબંધ સાબિત ન થયો.
તેથી, બ્લડ ગ્રુપ દ્વારા સ્વભાવ જાણવાની થિયરીને એક મનોરંજન તરીકે લેવી સારી. વ્યક્તિત્વ ઘણા પરિબળોથી બને છે—ઉછેર, અનુભવ, શિક્ષણ અને પર્યાવરણ. ફક્ત લોહીના પ્રકાર પરથી કોઈના સ્વભાવ વિશે નિષ્કર્ષ કાઢવો વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી.