સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રેનમાં ભૂલી ગયા ચાર્જર કે દવાઓ? હવે Blinkit એપથી ઓર્ડર કરો, સ્ટેશન પર મળશે ડિલિવરી

ટ્રેનમાં ભૂલી ગયા ચાર્જર કે દવાઓ? હવે Blinkit એપથી ઓર્ડર કરો, સ્ટેશન પર મળશે ડિલિવરી

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણી વાર જરૂરી વસ્તુઓ ઘરે ભૂલી જવાય છે. હવે મુસાફરોને આ માટે પરેશાન થવાની જરૂર નથી. દક્ષિણ રેલ્વેના સેલમ ડિવિઝને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkit સાથે ભાગીદારી કરીને એક નવી સેવા શરૂ કરી છે, જેના દ્વારા મુસાફરો ટ્રેનમાં જ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે અને નિર્ધારિત સ્ટેશન પરથી સામાન મેળવી શકે છે.

આ સેવા હાલમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. જો તે સફળ રહેશે તો ભવિષ્યમાં અન્ય મોટા સ્ટેશનો પર પણ તેને શરૂ કરવા વિચારણા થઈ શકે છે.

મુસાફરો આ સેવા દ્વારા દવાઓ, પર્સનલ કેરની વસ્તુઓ, મોબાઈલ ચાર્જર, ખાવા-પીવાનો સામાન અને બાળકો માટેની વસ્તુઓ ઓર્ડર કરી શકે છે. જોકે, કોઈ પણ વસ્તુની ઉપલબ્ધતા સંબંધિત સ્ટેશન પર નિર્ભર રહેશે.

ઓર્ડર કરવા માટે મુસાફરોએ ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલાં જ Blinkit એપમાં સ્ટેશનનું લોકેશન પસંદ કરી, જરૂરી વસ્તુઓ કાર્ટમાં ઉમેરવાની રહેશે. ઓર્ડર કરતી વખતે ટ્રેન નંબર અને કોચની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ ટ્રેન સ્ટેશન પર રોકાય ત્યારે મુસાફરો નિર્ધારિત ડિલિવરી પોઈન્ટ પરથી પોતાનો સામાન લઈ શકશે.

આ પહેલા પણ Swiggy અને Zomato જેવી ફૂડ ડિલિવરી એપ દ્વારા ટ્રેનમાં ખાવાનું ઓર્ડર કરી શકાય છે, જે નિર્ધારિત સ્ટેશન પર પહોંચાડવામાં આવે છે. Blinkitની આ નવી સેવા તેના જેવી જ સુવિધા પૂરી પાડશે, પરંતુ તેમાં દવાઓ અને ચાર્જર જેવી જરૂરી વસ્તુઓ પણ મળી શકશે.