ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ રાયસણ વિસ્તારમાં આવેલા બ્લિનકીટના સ્ટોરમાં ગંદકી અને કરોળિયાના જાળા મળી આવતાં ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવ્યો છે. રાજ્યમાં ક્વિક કોમર્સ કંપની સામે આ પ્રકારની કડક કાર્યવાહીનો આ પ્રથમ બનાવ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાને મળેલી ચોક્કસ ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ટીમે રાયસણ સ્થિત બ્લિનકીટ સ્ટોર પર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006’ હેઠળ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્ટોરમાં સબ-સ્ટાન્ડર્ડ સેનિટેશન અને હાઇજીન સ્થિતિ જોવા મળી. દુકાનની દીવાલો પર કરોળિયાના જાળાં બાઝેલાં હતાં, સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા નહોતી અને ગ્રાહકોને ડિલિવર કરવાની ખાદ્યસામગ્રી અત્યંત ગંદા તથા સફાઈ વગરના રેક પર રાખવામાં આવી હતી.
શિડ્યુલ-4 ની જોગવાઈઓનો ભંગ માલૂમ પડતાં તંત્રએ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારીને સ્ટોરનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કર્યું હતું. જો નિયત સમયમાં સુધારો નહીં કરવામાં આવે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની સખત કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી હોસ્ટેલ કિચન તપાસ ઝુંબેશ અંતર્ગત પાલિકાની ટીમે ગાંધીનગરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર દરોડા પાડ્યા. NID, NIFT સહિત 14 હોસ્ટેલ-કેન્ટીનમાં તપાસ કરી ખાદ્ય પદાર્થના 34 નમૂના લેવામાં આવ્યા. આ દરોડા દરમિયાન યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સીમાં અસ્વચ્છતા દેખાતાં તેને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે.
મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ. એ. ઓડેએ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને કડક સૂચના આપી છે કે રસોડામાં કામ કરતા કર્મચારીઓએ કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ ફરજિયાત પહેરવાના રહેશે. તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ ન કરવા, ન્યૂઝપેપરમાં ખોરાક ન પીરસવા અને નાશવંત ચીજો યોગ્ય તાપમાને રાખવા સ્પષ્ટ આદેશ અપાયા છે. નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
આ અંગે સ્ટેટ FSSAI વિભાગના ડેપ્યુટી કમિશનર વી. ડી. રાણાએ કહ્યું કે, ગુજરાતમાં ઇ-કોમર્સ કોઈ કંપની સામે કાર્યવાહી કરી હોય એ પ્રથમ છે. ગાંધીનગરના રસાયણમાં ટેક્સાસ 3 બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બ્લિનકીટ સામે કાર્યવાહીનો ગુજરાતમાં પ્રથમ કેસ છે. અગાઉ ભરૂચમાં કાર્યવાહી કરી હતી, પરંતુ એ વખતે ઇમ્પ્રોવમેન્ટ નોટિસ અપાઈ હતી. જ્યારે ગાંધીનગરના સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ધંધો બંધ કરાવી દેવાનો આ ગુજરાતનો પ્રથમ કેસ છે. નિયમ મુજબ 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપની દ્વારા જરૂરી સુધારા-વધારા કરીને દસ્તાવેજો રજૂ કર્યા પછી જ ધંધો શરૂ કરશે.