ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા બ્લિંકિટ સ્ટોરનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી શાખા દ્વારા સ્ટોરની ખાસ તપાસ કર્યા બાદ આ કાર્યવાહી કરી છે.
તપાસ દરમિયાન સ્ટોરમાં ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. સ્ટોરની દીવાલો પર કરોળિયાના જાળા, ગંદા અને અસ્વચ્છ રેક પર ખાદ્યચીજોનો સંગ્રહ, અને ખાદ્ય પદાર્થોના અયોગ્ય સંગ્રહ જેવી ખામીઓ સામે આવી હતી. સેનિટેશન અને હાઇજિનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું પણ સ્પષ્ટ થયું હતું.
ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ થયેલી આ તપાસ બાદ બ્લિંકિટ સ્ટોરને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સ્ટોરનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
આ કાર્યવાહી દર્શાવે છે કે ઓનલાઇન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી સુવિધાઓમાં પણ ફૂડ સેફ્ટી અને હાઇજિનના ધોરણોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.