સુરતના વેસુ વિસ્તારમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિન્કિટ પરથી મંગાવવામાં આવેલી બ્રેડમાં ફૂગ જોવા મળી છે. બ્રેડની એક્સપાયરી ડેટ હજુ બાકી હોવા છતાં તેમાં ફૂગ લાગી હતી, જેનાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ઓનલાઈન ડિલિવરી સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થયો છે.
ગ્રાહકના જણાવ્યા મુજબ, ડિલિવરી મળ્યાની થોડી જ મિનિટોમાં તેમણે બ્રેડનું પેકેટ ખોલ્યું અને તેમાં ફૂગ દેખાઈ. તરત જ તેઓ બ્લિન્કિટ સ્ટોર પર પહોંચ્યા અને મેનેજર તથા સ્ટાફને ફરિયાદ કરી. પરંતુ સ્ટોર સ્ટાફે જવાબદારી લેવાને બદલે ગ્રાહકને બ્લિન્કિટ એપ પર ફરિયાદ નોંધાવવા કહ્યું. આનાથી ગ્રાહકમાં આક્રોશ વધ્યો અને તેમણે સ્ટાફને ફૂગવાળી બ્રેડ ખાવાનું કહીને નારાજગી વ્યક્ત કરી. છતાં સ્ટાફે કોઈ યોગ્ય પ્રતિભાવ આપ્યો નહીં.
આ પહેલી ઘટના નથી. સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા કે ભેળસેળ સંબંધિત ત્રણથી વધુ કિસ્સા અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે. તે દર્શાવે છે કે ઓનલાઈન ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને ડિલિવરીમાં ગંભીર ખામી હોઈ સકે છે.
એક્સપાયરી પહેલા બ્રેડમાં ફૂગ લાગવી એ સંગ્રહની ખામી કે ઉત્પાદનની ગુણવત્તા પર શંકા ઊભી કરે છે. આજે મોટાભાગના લોકો ડોરસ્ટેપ ડિલિવરી પર નિર્ભર છે, ત્યારે આવી ઘટનાઓ ગ્રાહકોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે.
આ મામલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલ ઊઠ્યા છે. બળદેવ સુથારે ટિપ્પણી કરી હતી કે આરોગ્ય વિભાગ આવી ઘટનાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. ઘણીવાર માત્ર દંડાત્મક નોટિસ કે બતાવો પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે. ખાદ્ય સામગ્રીના વેચાણકર્તાઓ સામે કડક કાર્યવાહી, જેમ કે દૂષિત માલનો નાશ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી, જરૂરી છે. તો જ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકાવી શકાય.
આ ઘટના ગ્રાહકોમાં જાગૃતિ લાવવાની સાથે સરકારી તંત્ર અને ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સને તેમની જવાબદારીઓ પ્રત્યે વધુ ગંભીર બનવા પ્રેરિત કરે છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું એ દરેક વ્યવસાય અને સરકારી વિભાગની નૈતિક તથા કાયદાકીય જવાબદારી છે.