રશિયાના બ્લેક સી કિનારે આવેલા સોચી શહેર નજીક લાઇબેરિયાના ધ્વજવાળા એક ઓઇલ ટેન્કર પર દરિયાઈ ડ્રોનથી હુમલો થયો છે. હુમલાના કારણે ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ટેન્કર પર 23 ભારતીય નાગરિકોનો ક્રૂ સવાર હતો, જેમાંથી બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
રશિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ, હુમલા બાદ બ્લેક સીના પાણીમાં કાચું તેલ સળગવા લાગ્યું હતું. તેના કારણે રશિયાના પર્યટન સ્થળ સોચીના કેટલાક વિસ્તારોમાં આકાશ કાળા ધુમાડાથી ઢંકાઈ ગયું હતું. આ ટેન્કર સોચીના કિનારાથી લગભગ 15 કિમી દૂર હતું. જહાજમાંથી ઉઠતી આગ અને ધુમાડાના ગોટાળા ઘણા કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતા.
લાઇબેરિયાના ધ્વજવાળું આ ક્રૂડ ઓઇલ ટેન્કર લગભગ 247 મીટર લાંબું હોવાનું રેકોર્ડમાં જણાવાયું છે. આગની તીવ્રતાને કારણે શરૂઆતમાં ફાયરફાઇટર્સ જહાજની નજીક પહોંચી શક્યા નહોતા. બાદમાં મંત્રાલયે જણાવ્યું કે આગ ઓછી થતાં ઇમરજન્સી ટીમોએ તેને કાબૂમાં લીધી હતી. મરીનટ્રાફિક અનુસાર, હુમલા પહેલાં જહાજનું છેલ્લું સ્થાન બ્લેક સીમાં રશિયા-જ્યોર્જિયા સરહદ નજીક હતું.
છેલ્લા 48 કલાકમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલાં 5 અને 6 ઑક્ટોબરે હોર્મુઝ સ્ટ્રેટ અને બ્લેક સીમાં પણ આવા હુમલા થયા હતા. આ હુમલાઓમાં કોઈ ભારતીયનું મૃત્યુ થયું નથી.
6 ઑક્ટોબરે હોર્મુઝ સ્ટ્રેટમાં પનામાના ધ્વજવાળા વેપારી જહાજ પર હુમલો થયો હતો. જહાજમાં કુલ 19 લોકો સવાર હતા, જેમાં 17 ભારતીય નાગરિકો હતા. વિદેશ મંત્રાલય અનુસાર, 11 ભારતીય ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. 5 ઑક્ટોબરે બ્લેક સીમાં રોમાનિયા નજીક એક જહાજ પર હુમલો થયો હતો, જેમાં 3 ભારતીય નાવિકો સવાર હતા. દુર્ઘટનામાં જહાજ ડૂબી ગયું અને 2 વિદેશી નાગરિકોનાં મૃત્યુ થયાં, જ્યારે ભારતીયો સહિત 11 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે જહાજ પર રશિયન ડ્રોનથી હુમલો થયો હતો.
ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, આ ટેન્કર યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું. તેને રશિયાના કથિત શેડો ફ્લીટનો હિસ્સો ગણાવવામાં આવ્યું હતું. રશિયાનો શેડો ફ્લીટ એવા ટેન્કરો અને જહાજોનું નેટવર્ક છે, જેનો ઉપયોગ રશિયા પશ્ચિમી પ્રતિબંધોથી બચીને તેલ સહિત અન્ય સામાનની નિકાસ કરવા માટે કરે છે. યુક્રેને ફેબ્રુઆરીમાં આ જહાજો પર પ્રતિબંધો લગાવ્યા હતા. તેનું કહેવું હતું કે આ નેટવર્કના જહાજો રશિયાને ઊર્જા આવક જાળવી રાખવામાં મદદ કરે છે, જેનાથી રશિયા યુક્રેન વિરુદ્ધના યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્લેક સી હવે યુદ્ધનું મોટું મોરચું બની ગયું છે. છેલ્લા લગભગ 2 મહિનામાં બંને દેશોએ 300થી વધુ જહાજોને નિશાન બનાવ્યાં છે, જેમાં અનાજ લઈ જતાં જહાજો, તેલના ટેન્કરો અને અન્ય માલવાહક જહાજોનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલા હુમલાઓની અસર વિશ્વની ખાદ્ય સપ્લાય પર પડવાનો ખતરો છે. ઘઉં અને મકાઈના ભાવમાં વધારો થઈ શકે છે. રશિયા અને યુક્રેન મળીને વિશ્વના લગભગ 30% ઘઉંની નિકાસમાં ભાગ ધરાવે છે અને બંને દેશોનું મોટાભાગનું અનાજ બ્લેક સી માર્ગે અન્ય દેશો સુધી પહોંચે છે.
રશિયન ઘઉં ખરીદનારા દેશોની સંખ્યા 43થી ઘટીને 16 રહી ગઈ છે. બીજી તરફ, રશિયાથી અનાજ મોકલનારા બંદરોની સંખ્યા 47થી ઘટીને 10 રહી ગઈ છે. દેશના સૌથી મોટા બંદર નોવોરોસિસ્કથી શિપમેન્ટ 24.9 લાખ ટનથી ઘટીને 10.4 લાખ ટન થઈ ગયું છે. બંદરો અને જહાજો પર હુમલા વધવાને કારણે અનાજનો દરિયાઈ વેપાર પ્રભાવિત થયો છે. બંને દેશોના ગોડાઉનોમાં અનાજ ઉપલબ્ધ છે, પરંતુ તેને ખરીદદાર દેશો સુધી પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે. આની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે. ઘઉંના ભાવ છેલ્લા એક વર્ષમાં લગભગ 30% વધી ચૂક્યા છે.
બ્લેક સીના દરિયાઈ માર્ગને અસર થયા બાદ યુક્રેન માર્ગ અને રેલ નેટવર્ક દ્વારા અનાજ અન્ય દેશો સુધી મોકલી રહ્યું છે. જોકે આ માર્ગોની ક્ષમતા બ્લેક સીના બંદરોની સરખામણીમાં ઘણી ઓછી છે.