સત્ય. સાહસ. સંકલ્પ.

બ્લેક સીમાં ડ્રોન હુમલા બાદ ટેન્કરમાં આગ, 23 ભારતીય ક્રૂ સુરક્ષિત બચાવાયા

બ્લેક સીમાં ડ્રોન હુમલા બાદ ટેન્કરમાં આગ, 23 ભારતીય ક્રૂ સુરક્ષિત બચાવાયા

રશિયાના કાળા સમુદ્ર (બ્લેક સી) કિનારે એક અજાણ્યા ડ્રોન દ્વારા કરાયેલા હુમલા બાદ લાઇબેરિયાના ધ્વજ હેઠળ જઈ રહેલા ઓઇલ ટેન્કર 'એફ્રામેક્સ રિયો'માં ભીષણ આગ લાગી હતી. રશિયન કોસ્ટગાર્ડ અને ઇમરજન્સી ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને ટેન્કર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટેલિગ્રામ પર આપેલા સત્તાવાર નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ટેન્કરના તમામ 23 સભ્યો ભારતીય નાગરિકો હતા તથા આ આગમાં કોઈને ઈજા પહોંચી નથી.

મંગળવારે બ્લેક સીમાં બનેલી આ ઘટનાના સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દરિયામાં સળગી રહેલા જહાજમાંથી આકાશ તરફ ધુમાડાના ઘાટા ગોટા ઉડતા જોવા મળ્યા હતા. રશિયાના દક્ષિણી ક્રાસ્નોદાર ક્ષેત્રમાં સ્થિત સિરિયસના સ્થાનિક તંત્રે દરિયામાં ઇમરજન્સી ઓપરેશન્સ ચાલુ હોવાના કારણે આજુબાજુના દરિયા કિનારા (બીચ) સામાન્ય લોકો માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. ફાયરફાઇટર્સની ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ લાઇબેરિયન ટેન્કરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બ્લેક સી ક્ષેત્રમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ડ્રોન હુમલાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય જહાજો પરના જોખમમાં મોટો વધારો થયો છે. આ ઘટના પહેલાં પણ બ્લેક સીમાં એક રશિયન ડ્રોન દ્વારા 'એમવી રોયાદ મમાદોવ' નામક કાર્ગો શિપને નિશાન બનાવાયું હતું, જેમાં 3 ભારતીય નાગરિકો સવાર હતા. આ અગાઉના હુમલામાં જહાજ સળગીને દરિયામાં ડૂબી ગયું હતું અને ભારતીય કેપ્ટનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ભારતીયોને રોમાનિયા સ્થિત ભારતીય દૂતાવાસના તકેદારીના પગલાંથી ઉગારી લેવાયા હતા.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

07 Oct 2026, 07:44 AM બ્લેક સીમાં ટેન્કર પર હુમલો: 23 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત બચાવાયા