સત્ય. સાહસ. સંકલ્પ.

બલૂચ લિબરેશન આર્મીના વડા બશીર જેબ હટાવાયા, સંગઠનમાં અસંતોષના કારણે નેતૃત્વ ફેરફાર

બલૂચ લિબરેશન આર્મીના વડા બશીર જેબ હટાવાયા, સંગઠનમાં અસંતોષના કારણે નેતૃત્વ ફેરફાર

બલૂચ લિબરેશન આર્મી (BLA)ના કમાન્ડર-ઇન-ચીફ બશીર જેબને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સંગઠને 3 નવેમ્બરે પ્રેસ રિલીઝ જારી કરીને આ જાહેરાત કરી હતી. આ નિર્ણય 16 ઑક્ટોબરે યોજાયેલી BLAની ટોચની સમિતિઓની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.

BLAએ જણાવ્યું કે બશીર જેબ પાસે રહેલા તમામ વહીવટી, સૈન્ય અને નીતિગત નિર્ણયો લેવાના અધિકારો હવે સિનિયર કમાન્ડ કાઉન્સિલને સોંપવામાં આવ્યા છે. નવા કમાન્ડરની નિમણૂક થાય ત્યાં સુધી સંગઠનના તમામ મોટા નિર્ણયો આ પરિષદ જ લેશે. સંગઠને આ ફેરફારને તેના 2018ના બંધારણીય નિયમો હેઠળ શાંતિપૂર્ણ નેતૃત્વ પરિવર્તન ગણાવ્યું છે, જે મુજબ કોઈ પણ કમાન્ડર જીવનભર સર્વોચ્ચ પદ પર રહી શકે નહીં.

બશીર જેબને હટાવવા પાછળનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સેના વિરુદ્ધ નિષ્ફળ ઓપરેશન અને મહિલા આત્મઘાતી હુમલાખોરોના ઉપયોગને લઈને સંગઠનમાં તેમના વિરુદ્ધ નારાજગી વધી રહી હતી. બશીર જેબના હાલના ઠેકાણા વિશે કોઈ માહિતી સામે આવી નથી.

બશીર જેબના નેતૃત્વમાં BLAએ પાકિસ્તાનમાં ઘણા મોટા હુમલાઓ કર્યા હતા, જેમાં ચીની વાણિજ્ય દૂતાવાસ પર હુમલો, પર્લ કોન્ટિનેન્ટલ હોટેલ પર હુમલો, પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર હુમલો, ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ પર હુમલો, પીએનએસ સિદ્દીકી નેવલ એર બેઝ પર હુમલો અને જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ વગેરેનો સમાવેશ થાય છે. આ હુમલાઓને કારણે બલૂચિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવી પાકિસ્તાની સેના અને સરકાર માટે મોટો પડકાર બની ગઈ હતી.

બશીર જેબના વીડિયા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમની સરખામણી ફિલ્મ 'ધુરંધર'ના પાત્ર હમઝા અલી મઝારી સાથે થવા લાગી હતી. જોકે, આ હકાલપટ્ટીને સંગઠનની અંદરની રાજનીતિ અને સૈન્ય વ્યૂહરચનાને લઈને ઊભા થયેલા મતભેદો સાથે જોડીને જોવામાં આવી રહી છે.