અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બે અલગ-અલગ હુમલાઓમાં પાકિસ્તાની સેનાના 25 જવાનોને ઠાર કરવાનો દાવો કર્યો છે. BLA એ હુમલાના વીડિયો પણ જાહેર કર્યા છે, જેમાં સળગતા ટ્રક, વિસ્ફોટ અને ગોળીબાર જોવા મળે છે.
BLAના સત્તાવાર મીડિયા આઉટલેટ 'હક્કલ' (Hakkal) દ્વારા આ વીડિયો જાહેર કરાયો છે. પ્રથમ હુમલો ઝિયારત ક્રોસ પર 'ફતેહ સ્કવોડ' (Fateh Squad) દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘાતક હુમલામાં 18 સૈનિકો માર્યા ગયા હોવાનો અને બે લશ્કરી વાહનો નષ્ટ થયાનો દાવો છે. વીડિયોમાં સશસ્ત્ર લડવૈયાઓ ક્ષતિગ્રસ્ત ટ્રકોમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટતા પણ જોવા મળી રહ્યા છે.
બીજો હુમલો સુરાબના હાજિકા વિસ્તારમાં BLAની STOS (સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્કવોડ) યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો. રિમોટ-કંટ્રોલ બોમ્બ વિસ્ફોટમાં વધુ 7 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો છે. BLA એ આમ કુલ 25 સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો છે.
પાકિસ્તાન સરકારે BLAના આ દાવાઓ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સેનાના જવાનોના મૃતદેહો તેમના પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સામે પક્ષે, પાકિસ્તાની સેનાએ મસ્તુંગ, સિબી, ક્વેટા અને કલાત જિલ્લામાં દરોડા પાડીને BLA અને TTP સાથે જોડાયેલા લગભગ 50 બળવાખોરોને મારી નાખ્યાનો દાવો કર્યો છે.
દાયકાઓથી બલૂચ જૂથો પાકિસ્તાન સરકાર પર માનવાધિકારના ઉલ્લંઘન, બળજબરીપૂર્વક ગુમ કરવા અને સૈન્ય અત્યાચારનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વ્યાપક અશાંતિ ફેલાયેલી છે.